રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને ગ્રિન સિટી બનાવવાનો સંકલ્પ લેવાયો છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન 25 લાખથી વધુ વૃક્ષોનું વાવેતરનો લક્ષ્યાંક છે. ઘનિષ્ઠ વૃક્ષારોપણમાં શહેરીજનોને મનપા ડોર ટુ ડોર રોપા વિતરણ કરશે. વિવિધ રોપા ભરેલા ટેમ્પો શહેરના તમામ વોર્ડમાં ફરતા રહેશે. 30 સપ્ટેમ્બર સુધી આ અભિયાન ચાલશે.
રાજકોટના મેયર ડો. નેહલ શુકલ અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઇ પીપળીયાએ રાજકોટને ગ્રિન સિટી બનાવવા માટે લીધેલા સંકલ્પને પુરો કરવા મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા ખાસ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન મુજબ ગાર્ડન શાખાના સ્ટાફ દ્વારા શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારોમાં જઇને રોપા વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ રોપાઓ નાગરિકોની માગણી મુજબ દાડમ, રાવણાં, જાંબુ, જામફળ જેવા અલગ અલગ ફળોથીથી માંડીને વરસાદ ખેંચી લાવે તેવા લીમડો, બોરસલી કરંજ જેવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચોમાસાની ઋતુની સાથોસાથ શરૂૂ થતા જ અત્યાર સુધીમાં અંદાજે 10 હજારથી વધુ વૃક્ષોનું વિતરણ તો થઇ પણ ચુક્યુ છે.
ગાર્ડન શાખાના અધિકારી ડો. જકાસણીયાના કહેવા મુજબ તા. 5 જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસથી રાજકોટ શહેરના નાગરિકો માટે ડોર ટુ ડોર વિનામુલ્યે રોપા વિતરણ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. અને ડોર ટુ ડોર રોપા વિતરણ તા.30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે.
ઘરે બેઠા રોપા મેળવવા ઇચ્છુકોને આ રીતે કરવાની રહેશે ઓનલાઇન માગણી
નિ:શુલ્ક રોપા મેળવવા ઇચ્છુક નાગરિકોએ નોંધણી માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ https://egov.rmc.gov.in/FormPlantDemand પર જઈ ઓનલાઈન માંગણી કરવાની રહેશે. નાગરિકોએ મહાનગરપાલિકાની વેબ સાઇટ ઉપર જઇને પોતાનું નામ, વોર્ડ વિસ્તારનું નામ અને જે પ્રકારના રોપા મેળવવા માંગતા હોય તેના સહિતની વિગત આપવાની રહેશે. આ પછી મહાનગરપાલિકાની ગાર્ડન શાખાની ટીમ જે તે સરનામા પર પહોંચીને મફતમાં રોપા વિતરણ કરશે.
