કરોડોના GST કૌભાંડમાં જામનગરની બ્રાસપાર્ટસની 5 પેઢીની મિલકતો જપ્ત

  20થી વધુ સ્થળોએ દરોડા બાદ મેગા કાર્યવાહી, કારખાના-ઇન્ડસ્ટ્રીયલ શેડ-વાડી-મકાન સહિત કરોડોની સંપત્તિ ટાંચમાં લેવાઇ જામનગરમાં કરોડો રૂૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક…

 

20થી વધુ સ્થળોએ દરોડા બાદ મેગા કાર્યવાહી, કારખાના-ઇન્ડસ્ટ્રીયલ શેડ-વાડી-મકાન સહિત કરોડોની સંપત્તિ ટાંચમાં લેવાઇ

જામનગરમાં કરોડો રૂૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટી વિભાગનો કાયદાકીય સકંજો કસાતા જ વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે અને કૌભાંડના મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂૂપે જીએસટી વિભાગ દ્વારા 5 પેઢીઓના સંચાલકોની કરોડોની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે.

રાજ્ય વેરા વિભાગ દ્વારા જે પેઢીઓ અને તેના માલિકો સામે સકંજો કસવામાં આવ્યો છે તેમાં ‘દેવ ઇમ્પેક્ષ’ના પ્રફુલ સંઘાણી સામે કાયદાકીય કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ‘રિધમ મેટલ’ના રાહુલ નાગજી વસોયાની માલિકીનો ઔદ્યોગિક શેડ વિભાગ દ્વારા જપ્ત કરાયો છે. ‘શ્રી રામ મેટલ’ના હાર્દિક ઓધવજી ગઢીયાની દરેડ શિવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે આવેલી અંદાજે 1 કરોડ રૂૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે અને આરોપી હાલ ફરાર છે.

‘એન્જલ એન્ટરપ્રાઇઝ’ના સુરેશ વસોયાની ચંદ્રાગા ગામમાં આવેલી વાડી તેમજ મકાન જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે ખોડલ એન્ટરપ્રાઇઝ’ના મયંક જેંતીલાલ ગઢીયાની મિલકતો અંગે હાલ જીએસટી વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ભાવનગર અને જસદણના અમુક ઈસમો દ્વારા જામનગરમાં બોગસ પેઢીઓ ખોલવામાં આવી હતી. સંબંધિત વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ પેઢીઓ મારફતે ગેરકાયદેસર રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને નાણાંની મોટી લેતી-દેતી કરવામાં આવી છે.

આ કૌભાંડીઓને ઝડપી પાડવા માટે જીએસટી વિભાગ દ્વારા ભાવનગર પોલીસ સહિતના પોલીસ તંત્રની વિશેષ મદદ લેવામાં આવી રહી છે. બહારગામથી આવીને જામનગરમાં બોગસ પેઢીઓ ખોલી સ્થાનિક સ્તરે કરચોરીનું આખું નેટવર્ક ઊભું કરનારા તત્વોને જામનગરના કયા સ્થાનિક વેપારીઓ કે સગા-સંબંધીઓએ સાથ-સહકાર આપ્યો છે, તેની પણ જીએસટી વિભાગ દ્વારા સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે. જીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાં સુરેશ વસોયા અને હાર્દિક ઓધવજી ગઢીયા સામેલ છે.