રિક્ષા ગેંગ સક્રિય: પેસેન્જરના સ્વાંગમાં ગઠિયાએ ઉલટી-ઉબકાનું નાટક કરી ત્રણ હજાર સેરવી લીધા

રાજકોટ શહેરમાં સામાન્ય નાગરિકોને શિકાર બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા રિક્ષાચાલક અને તેની સાથેના શખ્સે પ્રવાસીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને પાકીટની…

રાજકોટ શહેરમાં સામાન્ય નાગરિકોને શિકાર બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા રિક્ષાચાલક અને તેની સાથેના શખ્સે પ્રવાસીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને પાકીટની ચોરી કરી લીધી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી મોનુ મુગાલાલ સાહુ તેમના મિત્રો સાથે કોઠારિયા સોલવન્ટ ફાટક પાસેથી સાપર જવા માટે એક સીએનજી રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં પાછળની સીટ પર પહેલેથી જ એક અજાણ્યો વ્યક્તિ બેઠેલો હતો. રિક્ષા થોડે આગળ વધતા જ આ વ્યક્તિએ મિત્રોને બેસવાની જગ્યા બદલવાનું કહીને મૂંઝવણ ઉભી કરી હતી.

રિક્ષા શિવ હોટલ પાસે પહોંચી ત્યારે પાછળ બેસેલા શખ્સે અચાનક જ ઉલ્ટી કે ઉબકા આવતા હોય તેવો ખોટો દેખાવ કરવાનું શરૂ કર્યું હતું. રિક્ષાચાલકે આ તકનો લાભ ઉઠાવી ફરિયાદીને ગેરમાર્ગે દોરતા કહ્યું કે, તમે નીચે ઉતરી જાઓ, નહિતર આ વ્યક્તિ તમારા પર ઉલ્ટી કરી દેશે. આ બહાના હેઠળ રિક્ષા ઉભી રખાવીને ત્રણેય મિત્રોને રિક્ષામાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને રિક્ષાચાલક તરત જ ત્યાંથી નાસી ગયો હતો.

રિક્ષા નીકળી ગયા બાદ ફરિયાદીને શંકા જતા તપાસ કરતા તેમના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ ગાયબ હોવાનું જણાયું હતું.ચોરાયેલા પાકીટમાં રોકડા 3,000 રૂપિયા અને અન્ય મહત્વના દસ્તાવેજો હતા. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) અને 61(2) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદીએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, રિક્ષામાં બેઠેલા શખ્સ અને ચાલકે પૂર્વઆયોજિત કાવતરું રચીને નજર ચૂકવીને ચોરી કરી હતી.