આંતરરાષ્ટ્રીય
માધવી બૂચને હટાવવા નૈતિક ધોરણે જરૂરી
અમેરિકાની કંપની હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપની કંપનીઓમાં સેબીનાં ચેરપર્સન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચની ભાગીદારી હોવાના દાવાની શેરબજારમાં ઝાઝી અસર ના થઈ પણ અદાણી ગ્રૂપની મોટા ભાગની કંપનીઓના શેરમાં ઘટાડો થયો. અદાણી ગ્રૂપ અને માધવી-ધવલ બૂચે હિંડનબર્ગના રિપોર્ટને ખોટો ગણાવીને તેમાં કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા પણ શેરબજારના રોકાણકારોએ તેમની વાત નથી માની પણ હિંડનબર્ગના રિપોર્ટને સાચો માન્યો છે એ અદાણી ગ્રૂપના શેરોના ઘટેલા ભાવ પરથી સ્પષ્ટ છે. હિંડનબર્ગના રિપોર્ટના પગલે ભારતીય શેરબજારમાં ફરી એક વાર વિશ્ર્વાસની કટોકટી ઊભી થઈ ગઈ છે એ સ્પષ્ટ છે. આ કટોકટી ઊભી થઈ તેનું કારણ એ છે કે, આ કેસ સાથે સંકળાયેલાં લોકો જૂઠાણાં ચલાવી રહ્યાં છે અને જેની જવાબદારી આ બધું રોકવાની છે. સરકાર મૌન થઈને બેઠી છે.
હિંડનબર્ગ પોતાના ફાયદા માટે ભારતીય શેરબજારોને અસ્થિર કરવા મથી રહી છે એવું ચિત્ર ઊભું કરવા પ્રયત્ન કરાઈ રહ્યો છે. હિંડનબર્ગ નફો રળવા બધું કરે છે એ સાચું પણ સામે હિંડનબર્ગ તથ્ય લોકો સામે મૂકી રહી છે એ પણ સાચું છે. આ તથ્યોને ખોટાં સાબિત કરવા જૂઠાણાં ચલાવાઈ રહ્યાં છે.
તેમાં એક જૂઠાણું એ પણ છે કે, સંપૂર્ણ તપાસ પછી સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2024માં હિંડનબર્ગ રિસર્ચના આક્ષેપોને ફગાવી દીધા હતા અને અદાણી ગ્રૂપને ક્લીન ચિટ આપી હતી. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે અદાણી સામેના આક્ષેપોને ફગાવ્યા નહોતા કે ક્લીન ચિટ નહોતી આપી પણ સુપ્રીમ કોર્ટે સેબીની તપાસને માન્ય રાખી હતી. હવે સ્થિતિ અલગ છે કેમ કે સેબીનાં ચેરમેને પોતે જ સુપ્રીમ કોર્ટથી ઘણી બધી વિગતો છૂપાવી હોવાનું બહાર આવ્યું છે. માધવી બૂચે પોતાનું અદાણી ગ્રૂપના કૌભાંડ સાથે સંકળાયેલી વિદેશી કંપનીઓ અને ફંડમાં રોકાણ હોવાની વિગતો સુપ્રીમ કોર્ટથી છૂપાવી જ નહોતી પણ એવું જૂઠાણું ચલાવેલું કે, હિંડનબર્ગના રિપોર્ટમાં જેમનો ઉલ્લેખ છે વિદેશની કંપનીઓના માલિકો અને રોકાણકારો કોણ છે.
તેની તપાસ કરવી શક્ય નથી. હિંડનબર્ગના રિપોર્ટ પછી મોદી સરકારે માધવી-ધવલના વિદેશી કંપનીઓમાં રોકાણ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તેનો અર્થ એ થાય કે, માધવી બૂચને સેબીમાં ડિરેક્ટર તરીકે નિમાયાં અને પછી ચેરમેન બનાવાયાં ત્યારે પણ તેમના અને તેમના પતિના અદાણી ગ્રૂપના કેસમાં શંકાસ્પદ વિદેશી કંપનીઓમાં રોકાણ અંગેની વિગતો કેન્દ્ર સરકાર પાસે હતી. મોદી સરકાર પાસે માહિતી હોવા છતાં પણ તેમને કેમ સેબીનાં ચેરમેન બનાવાયાં એ મોટો સવાલ છે. આ દેશનાં કરોડો રોકાણકારોનાં હિતોની જાળવણી કરવાની જવાબદારી સેબીના માથે છે. તેના બદલે માધવી બૂચ જેવી વ્યક્તિને કેમ મૂકી દેવાઈ એ વિશે મોદી સરકાર ચૂપ છે. આ ચૂપકીદી આઘાતજનક છે. નૈતિકતાનાં ઉચ્ચ માપદંડ સ્થાપિત કરવા માટે માધવી બૂચને તાત્કાલિક દૂર કરીને આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ કે જેથી સેબી સામે કોઈ શંકા ના રહે.