સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે થ્રી-લેન્ગ્વેજ પોલિસીની મોટાપાયે જાહેરાત બાદ હવે સરકારે હવે તેમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. સીબીએસઈએ, આ પોલિસી હેઠળ બે વિદેશી ભાષાઓની પસંદગી કરનારા ધોરણ 7-9ના લાખો વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે આ વિદ્યાર્થીઓ ધોરણ 10 સુધી ભાષાઓનું આ કોમ્બિનેશન ચાલુ રાખી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા, આગામી 1 જુલાઈથી ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે બે ભારતીય ભાષાઓ સહિત ત્રણ ભાષા ફરજિયાત બનાવવાની જાહેરાતના એક મહિના બાદ આ નવો નિર્ણય લેવાયો છે. સીબીએસઈના આ આદેશ સામે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ અદાલતમાં ધા નાખી હતી. સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર, ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓના અભ્યાસની નવી ભાષા નીતિ ધોરણ-6થી અણલી બનાવાશે અને જે લોકો હાલ ધોરણ-7થી 9માં અભ્યાસ કરી રહ્યાં છે તેમને આ નિયમ લાગુ નહીં પડે.
આ અંગેની સત્તાવાર અધિસૂચના ટૂંક સમયમાં જારી કરાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સીબીએસઈએ 1 જુલાઈથી શરૂૂ થતાં ધોરણ-9ના વર્ગો માટે બે ભારતીય ભાષાઓ સહિત ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવવા અંગે પરિપત્ર જારી કર્યો હતો. સીબીએસઈની સ્કીમ ઓફ સ્ટડીઝને, નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી), 2020 તથા નેશનલ કરિકલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (એનસીએફ-એસઈ), 2023 સાથે સુસંગત બનાવવાના ભાગરૂૂપે આ નિર્ણય લેવાયો હતો.
