દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર સ્થિત ન્યારા કંપનીના ઝાખર ગેટ પરથી ભરાયેલ ડીઝલના ટેન્કરમાંથી માર્ગમાં જ 7,335 લિટર ડીઝલની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટેન્કરના ડ્રાઇવર વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, દાદરા અને નગર હવેલીના સિલવાસા ખાતે રહેતા તથા ગ્લોબલ પેટ્રોકેમ સોલ્યુશન કંપનીના સંચાલક અજીતસિંહ હંસરાજસિંહે તેમની કંપનીનું ટેન્કર નં. ડીએલ-01-જીડી-9431માં આશરે 35,000 લિટર ડીઝલ ભરી વાડીનારથી છત્તીસગઢના કોરબા જિલ્લાના બ્યુરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનરલ્સ (પ્રા.) કંપની ખાતે મોકલ્યું હતું.
ટેન્કર 9 ડિસેમ્બર, 2025ના રોજ ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ માલ ખાલી કરતી વખતે 7,335 લિટર ડીઝલની ઘટ જણાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટેન્કરના ડ્રાઇવર સુભાષસિંહ શિવ બહાદુરે જામનગરથી કોરબા વચ્ચેના માર્ગમાં અલગ-અલગ સ્થળોએ ટેન્કરમાંથી ડીઝલ કાઢી તેની ગેરકાયદે વેચાણ કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) કલમ 316(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.
કોન્ટ્રાકટર પર છરીથી હુમલો
જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક રેતીના પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલી દરમિયાન એક કોન્ટ્રાક્ટર પર છરી વડે હુમલો કરવામાં આવતા સિટી-સી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે. જ્યારે ઇજાગ્રસ્ત કોન્ટ્રાક્ટર યુવાનને જીજી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પડાણા ગામે રહેતા અને રેતીના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રદીપસિંહ બહાદુરસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહીલને અગાઉ રેતીની એક ગાડી પહોંચાડવામાં આવી હતી, જેના રૂૂ. 30 હજાર બાકી હતા. આ રકમની માંગણી કરતા આરોપીએ તેમને દિગ્જામ સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યા હતા.
જ્યાં આરોપીએ રૂૂપિયા આપવાનો ઇનકાર કરી ગાળાગાળી શરૂૂ કરી હતી. ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદીના વાંસાના ભાગે બે ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ફરિયાદીને છ ટાંકા લેવા પડે તેવી ઇજા થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ હુમલા બાદ ફરી રૂૂપિયા માંગશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જામજોધપુરના સમાણા ગામમાં યુવક પર હુમલો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં મજૂરીના બાકી નાણાં માંગવા ગયેલા યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. સમાણા ગામની આંબેડકરનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ જેંતીભાઈ વાઘેલા (ઉંમર 19 વર્ષ) આશરે ત્રણ મહિના અગાઉ આરોપી કિશોરભાઈ નાનજીભાઈ વાઘેલા સાથે મજૂરી કામે ગયા હતા. તે દરમિયાન બે દિવસની મજૂરીના નાણાં દિવ્યેશભાઈને મળવાના બાકી હતા. ફરિયાદ મુજબ દિવ્યેશભાઈએ અનેક વખત બાકી રહેલા નાણાંની માંગણી કરી હતી, પરંતુ આરોપી દ્વારા નાણાં ચૂકવવામાં આવતા ન હતા. દરમિયાન ફરી એક વખત નાણાં માંગતા કિશોરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને દિવ્યેશભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ પથ્થર વડે હુમલો કરી દિવ્યેશભાઈના માથાના ડાબા ભાગે તેમજ જમણા પગના સાથળના ભાગે ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવકે સારવાર લીધા બાદ સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શેઠવડાળા પોલીસે આરોપી કિશોરભાઈ નાનજીભાઈ વાઘેલા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
