Site icon Gujarat Mirror

રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટ

નિશિત ખૂંટ અને તેમની પત્નીને કોંગ્રેસે આપી હતી તાલુકા પંચાયતની ટિકિટ

રાજકોટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ કોંગ્રેસમાં ’એક સાંધે ત્યાં તેર તૂટે’ તેવી કફોડી સ્થિતિ નિર્માણ પામી છે. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને લડાયક નેતા નિશિત ખુંટ પક્ષ સાથે છેડો ફાડીને સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા અને તેમના એક કલાકની અંદર જ તેઓને તાલુકા પંચાયતની ટિકિટ પણ આપી દેવામાં આવતા કાર્યકરોમાં ક્યાક રહસ જોવા મળ્યો હતો. નિશિત ખુંટ રાજકોટ તાલુકા પંચાયતની લોધીડા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિશિત ખુંટને લોધીડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી ટિકિટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કસ્તુરબા ધામ બેઠક પરથી નિશિત ખુંટના પત્ની ભૂમિકાબેન ખૂંટને પણ કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી હતી. હવે જ્યારે નિશિત ખુંટ ભાજપના શરણે ગયા છે, ત્યારે કોંગ્રેસને લોધીડા અને કસ્તુરબા ધામ એમ બંને બેઠકો પર મોટો ઝટકો લાગી શકે છે.

ચૂંટણીના બરાબર સમયે અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે પડેલા આ મોટા ભંગાણને કારણે રાજકોટના સ્થાનિક રાજકારણમાં ફરી એક વખત કોંગ્રેસ સંગઠનાત્મક રીતે નબળી સાબિત થઈ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે.

Exit mobile version