Site icon Gujarat Mirror

ગામડાથી ગાંધીનગર સુધી સત્તાનો વૈભવ છતાં ભાજપનું મિસ-મેનેજમેન્ટ

ત્રણ દિવસના બદલે ચાર દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં છેલ્લા દિવસે જ ઉમેદવારો ફાઇનલ થઇ શક્યા

વહેલી સવાર સુધી યાદીઓ જાહેર કરાઇ અને અંતિમ ઘડીએ રાજકોટ-અમદાવાદ- વડોદરા કોર્પોરેશન અને બે જિલ્લા પંચાયતના ઉમેદવારો બદલાયા

આજે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગામડાથી ગાંધીનગર સુધી સતાનો ત્રણ-ત્રણ દાયકાથી વૈભવવ ભોગવતા ભાજપના મિસમેનેજમેન્ટનું ઠેરઠેર પ્રદર્શન થતાં પક્ષની પ્રતિષ્ઠાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વષેર્ર્ પછી ભાજપના કાર્યાલયોમાં તેમના જ નેતાઓ, કાર્યકરો અને દાવેદારોની ટોળાશાહી, ઉશ્કેરાટ અને ઘોર ગેરશિસ્તના દ્રશ્યો જોવા મળ્યા હતા.

વણસેલી પરિસ્થિતિને થાળે પાડવામાં અમદાવાદ, રાજકોટ અને વડોદરાના સંગઠનના સ્થાનિક ઉચ્ચ પદાધિકારીઓએ પણ ગોથા ખાધા હતા અને એક તબક્કે તો પરિસ્થિતિ કાબુ બહાર જતા વ્યવસ્થા માટે પોલીસ બોલાવવી પડે તેવા સંજોગો ઉભા થયા હતા.

ભાજપ હવે પક્ષ તરીકે ઘરડો થયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. છેલ્લા દિવસે એટલે કે આજે બપોરના અભિજિત નક્ષત્રનું વિજય મુહુર્ત પણ ઉમેદવારો ચુકી ગયા હતા કારણ કે મેન્ડેટમાં સહી જ થઇ ન હતી. રાજકોટ- અમદાવાદ- વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલાતા રહ્યા હતા તે રડતા થઇ ગયા અને રડતા હતા તે હસતા થઇ ગયા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ વખતના ભાજપના મિસ મેનેજમેન્ટની ખરી શરૂઆત તો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકથી થઇ હતી જેમાં આંતર કલહની તિરાડો પ્રગટ થતાં માત્ર ત્રણ દિવસની બેઠક એક દિવસ લંબાવવી પડી હતી. આમ તો ત્યારે જ આ વખતે સ્થાનિક ચુંટણીઓની વિવાદાસ્પદ કરમ કુંડળીએ અણસાર આપી દીધો હતો. ત્યાર પછી ગઇકાલે આખીરાત રાજયના કુલ દસ હજાર ઉમેદવારો ફાઇનલ કરવા માટે ભાજપે ઉજાગરા કર્યા હતા અને વહેલી સવાર સુધી યાદી વારંવાર અપડેટ થતી રહી હતી, તે છેક આજે બપોરે સુધી બદલા પધ્ધતી ચાલુ રહી હતી. ભાજપ એક જમાનમાં બનિયન પાર્ટી એટલે કે શાણપણ ધરાવતો પણ ગણાતો હતો તેને સ્થાને આજે તમામ મ્યુનિ. કોર્પોરેશનમાં નવા નિશાળિયા જેવી દશા થઇ ગઇ હતી અને શાણપણનો કયાંય પત્તો દેખાતો ન હતો.
બહુ જ લાંબા બૌધ્ધિક વ્યાયામ પછી પણ છેલ્લી ઘડી સુધી લિસ્ટ ફાઇનલ ન થાય તે ભાજપ માટે ‘કાળે અર્જુન લુંટિયા’ જેવી અવ્યવસ્થા સાબીત થઇ હતી.

માત્ર મ્યુનિ. કોર્પોરેશનો જ નહીં, નગરપાલિકાઓ માટે જિલ્લા પંચાયતોના ઉમેદવારો માટે પણ પક્ષની પોતાની માનસિક સ્થિતિ અનિર્ણાયક અને હાલક ડોલક રહેતા ચૂંટણી પંચ, ઉમેદવારો અને તંત્ર એમ બધા ડખે ચડયા હતા. એક તરફ વિજય વિશ્ર્વાસ સંમેલનો ચાલતા હતા તો બીજી તરફ એમાં બેઠેલાઓને અપાયેલી ટિકિટો પાછી ખેંચવાના કારનામાઓ પણ ચાલુ રહ્યા હતા. ગંગાસ્નાનની જેમ આખા ભાજપે નવેસરથી શિસ્તસ્નાન કરી મેનેજમેન્ટની શિક્ષા-દિક્ષા લેવાની હવે નોબત આવી ગઇ હોવાના આ સાક્ષાત પુરાવાઓ છે.

સવારે માત્ર સાડા ચાર કલાકની અંદર 9139 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, અને સવારથી જ રાજ્યભરમાં ચૂંટણી પ્રક્રિયામાં અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે. રાજ્ય ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, આજે સવારથી અત્યાર સુધીના માત્ર સાડા ચાર કલાકના ગાળામાં 9139 ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરવાની આ ઝડપે વહીવટી તંત્રને પણ દોડતું કરી દીધું છે. ચોંકાવનારી વિગત એ છે કે, એક તરફ ફોર્મ ભરવા માટે ભારે ધસારો છે, ત્યારે બીજી તરફ રાજ્યની 221 બેઠકો એવી છે કે જ્યાં અત્યાર સુધી એક પણ ફોર્મ ભરાયું નથી. આ સ્થિતિ પાછળ રાજકીય ગણિત અથવા ચોક્કસ રણનીતિ હોવાનું મનાઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ સમજૂતીના ભાગરૂૂપે બિનહરીફ જાહેર થવાની પણ શક્યતા છે.

 

Exit mobile version