જેતપુર, મેટોડા, આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કામગીરી
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાસા અને હદપારીના હુકમો દ્વારા ગુનેગારો પર સકંજો કસવામાં આવ્યો છે. પડધરીમાં રહેતા રાજકોટના શખ્સ સહિત 2 શખ્સોને હદપાર અને બે બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આગામી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ માથાભારે અને રીઢા ગુનેગારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેતપુર તાલુકામાં દારૂૂના વ્યવસાય સાથે સંકળાયેલ શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો છે. જેતપુર તાલુકા પોલીસ અને એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી અવાર-નવાર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા કૃપાલસિંહ દિલુભા પરમાર (રહે. ચારણસમઢીયાળા) વિરુદ્ધ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર થતા આરોપીને અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે.
આટકોટ પોલીસે બે ઇસમોને વિવિધ જિલ્લાઓમાંથી હદપાર કરાયા છે. આટકોટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા બે ઇસમોને હદપાર કરવામાં આવ્યા છે. દિપકભાઇ બાબુભાઇ સોલંકી અને ભીખુભાઇ ધનજીભાઇ મહેતા (બંને રહે. આટકોટ) વિરુદ્ધ પ્રોહિબિશન અને જુગારના અસંખ્ય ગુનાઓને ધ્યાને લઈ તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર જસદણના હુકમ મુજબ દિપકને 6 માસ અને ભીખુને 3 માસ માટે રાજકોટ સહિત પાડોશી જિલ્લાઓ મોરબી, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાંથી હદપાર કરવામાં આવ્યા છે.
મેટોડા જી.આઇ.ડી.સીના કુખ્યાત શખ્સ રમેશ મકવાણાને તડીપાર કરવામાં આવ્યો છે. મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને જમીન/મિલકતના બોગસ દસ્તાવેજો બનાવી લોકોને ધમકાવતા રમેશભાઇ રાણાભાઇ મકવાણા (રહે. રાજકોટ, મુળ પડધરી) વિરુદ્ધ હદપારીની દરખાસ્ત મૂકવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા આ શખ્સને હદપાર કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ છેતરપિંડી, દસ્તાવેજોમાં ફેકલ્ટી અને મહિલાઓને ડરાવી ધમકાવવા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસની આ કડક કાર્યવાહીનો હેતુ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો છે. આ કામગીરીમાં એલસીબી પી.આઈ વી.વી.ઓડેદરા તેમજ જેતપુર તાલુકા પોલીસના પી.આઈ. એમ.એલ.આહિર, આટકોટ પોલીસના પી.આઈ. આર.એમ.રાઠોડ અને મેટોડા જી.આઇ.ડી.સીના પી.આઈ. એમ.જે.પરમાર સહિતની ટીમે કામગીરી કરી હતી.
