વહીવટી તંત્ર સજ્જ, કાલે સવારે પોલિંગ સ્ટાફ લેશે પોઝિશન

મતદાન મથકો ઉપર જ રાત્રિરોકાણ વ્યવસ્થા, દરેક બુથ પર પોલીસ સ્ટાફ પણ કાલથી જ તૈનાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે હવે ગણતરીની કલાકો છે બાકી…

મતદાન મથકો ઉપર જ રાત્રિરોકાણ વ્યવસ્થા, દરેક બુથ પર પોલીસ સ્ટાફ પણ કાલથી જ તૈનાત થશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે હવે ગણતરીની કલાકો છે બાકી રહી છે ત્યારે તૈયારીઓ પણ વહીવટી વિભાગ દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ આવતી કાલ સુધીમાં દરેક મતદાન બુથો પર ઇવીએમ મશીન ડિસ્પેચ કરી દેવામાં આવશે. ત્યારે જે વિગતો મળી રહી છે તે અનુસાર વહીવટી તંત્ર સંપૂર્ણ ચૂંટણી માટે સજ્જ કઈ ચુક્યું છે અને કાલે સવારે કોલિંગ સ્ટફ પણ પોતાની જગ્યા લઈ લેશે અને પોઝિશન સંભાળી લેશે. સાથો સાથ મતદાન મથકો ઉપર રાત્રે રોકાણ કરે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને દરેક બુટ પર પોલીસ સ્ટફ પણ કાલથી જ તૈનાત થઈ જશે.

રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કરાયેલી તૈયારીઓની પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડમાં 236 ઉમેદવારોની યાદી ફાઈનલ થઈ છે. મહાનગરમાં 5,10,086 પુરુષ મતદારો. 4,75,848 મહિલા મતદારો તથા 18 થર્ડ જેન્ડર મળીને 9,85,952 મતદારો છે. 1014 મતદાન મથકો પર 8948 પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. ચૂંટણીમાં 2326 બેલેટ યુનિટ તથા 1163 કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરાશે. ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ વન કક્ષાના છ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ ટુ કક્ષાના છ અધિકારી મુકાયા છે. મહાનગર પાલિકા ક્ષેત્રમાં 151 પોસ્ટલ બેલેટ યુનિટ છે, કુલ મળીને 1480 કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.

ચૂંટણી પ્રક્રિયા માટે 425 જેટલા વાહનોનું રિક્વિઝિશન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જ્યારે તાલુકા પંચાયતની 202 બેઠકો માટે 595 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ બંને ચૂંટણી માટે કુલ 1186 મતદાન બૂથ નક્કી કરાયા છે તથા 8480 પોલિંગ સ્ટાફ નિયુક્ત કરાયો છે. 1186 બૂથોમાંથી 179 અતિ સંવેદનશીલ અને 283 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં 5,01,683 પુરુષ મતદારો તથા 4,54,890 મહિલા મતદારો તથા બે અન્ય મળીને કુલ 9,56,575 મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં 2675 બેલેટ યુનિટ તથા એટલા જ કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે આઠ ક્લાસ-1 અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 22 ક્લાસ-2 અધિકારી નિયુક્ત કરાયા છે.

તા.પં., જિ.પં.માં 403 સર્વિસ વોટર્સ તથા ચૂંટણી ફરજના 1961 સ્ટાફ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે. ગોંડલ નગરપાલિકામાં 11 વોર્ડમાં કુલ 44 બેઠકો છે. જેમાં 20 બેઠકો બિનહરીફ થઈ છે. 24 બેઠકો પર 46 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. નગરપાલિકામાં કુલ 42,235 પુરુષ મતદારો તથા 39,230 મહિલા મતદારો તેમજ છ અન્ય મળીને 81,471 મતદારો છે. કુલ 58 બૂથ પર મતદાનની કામગીરી થશે. આ માટે 1702 સ્ટાફની નિયુક્તિ કરાઈ છે. ચૂંટણી માટે 226 બી.યુ. અને 113 સી.યુ.નો ઉપયોગ થશે.

પાલિકામાં વોર્ડ 01, 06, 09 તથા 11 તમામ બેઠકો બિનહરીફ થઈ છે, જયારે વોર્ડ-02માં 01 બેઠક, વોર્ડ-07માં બે બેઠક, વોર્ડ-10માં 01 બેઠક બિનહરીફ થઈ છે. 31 સર્વિસ વોટર્સ તથા 145 ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.

કોઈ પણ મતદાન મથક જ્યારે મતદાર મત આપવા જાય ત્યારે તેને કોઈ અગવડ ન થાય તે માટે તમામ પોલિંગ સ્ટાફની બે તાલીમ થઈ ગઈ છે અને ડિસ્પેચિંગ વખતે ત્રીજી તાલીમ કરવામાં આવશે. ગરમીને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા, નગર પાલિકા તેમજ તાલુકા, જિલ્લા પંચાયતમાં તમામ મતદાન મતકો ઉપર પાણી, છાંયડો, વીજળી, પ્રાથમિક સારવાર કીટ, ફર્નિચર રેમ્પ સહિતની સુવિધાઓ રાખવા માટે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગરમીમાં છાંયડાની વ્યવસ્થા માટે તમામ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણીની અને ઓ.આર.એસ. કીટ તેમજ પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.