ચૂંટણી લોહિયાળ બની: ઉનામાં ‘આપ’ના ઉમેદવાર અજય બાંભણીયા પર ફાયરિંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે ઉનામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે 23 એપ્રિલની રાત્રિના સમયે ઉના નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે ઉનામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે 23 એપ્રિલની રાત્રિના સમયે ઉના નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને જાણીતા એડવોકેટ અજયભાઈ બાંભણીયા પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે.અજયભાઈના કહેવા મૂજબ બે અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરીંગ કર્યું છે. જો કે પોલીસે ફાયરીંગની ઘટના નકારી સમગ્ર ઘટનાની તપાસ માટે બોલાવી છે.

અજયભાઈ બાંભણીયાના કહેવા મુજબ, 23 એપ્રિલ રાત્રિના અંદાજે 10:00 વાગ્યાના અરસામાં તેઓ પોતાની કાર લઈને તપોવનના પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કારને નિશાન બનાવી હુમલો કર્યો હતો. અજયભાઈએ સમયસૂચકતા વાપરી, પોતાનો જીવ બચાવવા કાર સીધી પોલીસ સ્ટેશન હંકારી મૂકી હતી.

પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ બનેલી ઘટના અંગે રજૂઆત કરતી વખતે જ અજયભાઈ અચાનક ઢળી પડ્યા હતા. ગંભીર પરિસ્થિતિ જોતા પોલીસે તાત્કાલિક તેમને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, હુમલા દરમિયાન કારનો કાચ વાગવાથી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજયભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે, પોલીસ આ મામલે અત્યંત સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા ફાયરિંગની ઘટનાનું સમર્થન કરવામાં આવ્યું નથી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપોવન પાટિયા નજીક ઘટના સ્થળે તપાસ શરૂૂ કરી છે. પોલીસે FSLની ટીમ પણ બોલાવી છે. આ સાથે હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

આ હુમલાના સમાચાર વાયુવેગે ઉના શહેરમાં ફેલાઈ જતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારો અને સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવાર પર થયેલા આ હુમલાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જો કે આ હુમલો કોણે અને શા માટે કર્યો? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળશે.