Site icon Gujarat Mirror

રાજકોટ નાગરિક બેંકના પ્યુનનું ભેદી અપહરણ, ઘર સામે ઝાડીમાંથી હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યા

શહેરમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના પ્યુનનું ભેદી સંજોગોમાં અપહરણ થયા બાદ પોલીસે તેને તેના જ ઘરની સામે આવેલી બાવળની ઝાડીઓમાંથી હાથપગ બાંધેલી હાલતમાં શોધી લીધો હતો.માધાપરના મકાનના કબ્જા બાબતે બે શકમંદ આરોપીઓએ હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોધાઇ છે. જોકે બેભાન મળેલા પ્યુનને હોશ આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવશે. પત્નીએ બે શકમંદો સામે હાલ ગુનો નોંધાવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા રોડ પર આવેલી સાગર સીટીમાં રહેતા મુળ મોટા વરનોરાના ફરિયાદી શિક્ષિકા હેમાંગીબેન સામતભાઈ જેપારે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ભુજના શકદાર આરોપી પરીક્ષિત બીજલાણી અને માધાપરના કૌશલ્યા જનક સોની નામની મહિલા તેમજ તપાસમાં જે નીકળે તેમની વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બન્ને શકદાર આરોપીઓએ તેમના પતિ પાસેથી માધાપરમાં આવેલા મકાનના બધા રૂૂપિયા લઇ લીધા હતા.

જે બાદ પણ આરોપીઓએ મકાનનો કબ્જો આપ્યો ન હતો. અને આ બાબતે ફરિયાદીના પતિને અવારનવાર ધાક ધમકી મળતી હતી. એ દરમિયાન ગત 2 ડીસેમ્બરના અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદીના પતિ એકાએક ગુમ થઇ ગયા હતા. જેથી ફરિયાદીએ આ મામલે પોલીસને જાણ કરી હતી. બનાવને ધ્યાને લઇ તાત્કાલિક શોધખોળ કરતા ફરિયાદીના પતિ પોતાના ઘરની સામે આવેલ બાવળની ઝાડીઓમાં હાથપગ બાંધેલી હાલતમાં બેભાન મળી આવ્યા હતા. જેમને સારવાર માટે સ્થાનિક બાદ રાજકોટની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.


ફરિયાદીના જણાવ્યા મુજબ બન્ને શકમંદ આરોપીઓએ તેમના પતિનું અપહરણ કરી તીક્ષ્ણ હથિયારથી બન્ને હાથમાં ગંભીર ઈજાઓ પહોચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બાંધીને બાવળની ઝાડીઓમાં તેમને ફેંકી દેવામાં આવ્યા હતા. બનાવને પગલે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે જેની વધુ તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

Exit mobile version