ગુજરાત
અકસ્માત કેસમાં મૃતકના પરિવારનું 49 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ
અઢી વર્ષ પહેલાંનાં કેસમાં વીમા કંપની અને મૃતક યુવાનના વારસદારો વચ્ચે સમાધાન થતા નીવેડો આવ્યો
ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના ચાલકે સર્જેલા અકસ્માતમાં યુવાનના મૃત્યુના અઢી વર્ષ પહેલાના કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપની અને વારસદારો વચ્ચે સમાધાન કરાવી રૂૂપિયા 49 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ અકસ્માત વળતર કેસની વિગત એવી છે કે, મૂળ ભાડથર ગામનાં અને જે તે વખતે જામનગર ખાતે રહેતા રાજુભાઈ લખમણભાઈ કેશરીયા (આહીર) તા. 15/ 04/ 2023નાં રોજ રાત્રીનાં આશરે 11.30 વાગ્યે પોતાનું મો.સા. ચલાવી ઘર તરફ જતા હતા, તે વખતે મહાકાળી સર્કલ સાઈડથી એક બાઇકના ચાલકે પુરઝડપે ચલાવી રાજુભાઈના મો.સા. સાથે અથડાવેલ હતું. જેમાં રાજુભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
તેમાં સ્વ. રાજુભાઈ અકસ્માત પહેલાં ભાડથર ગામ (તા. જામખંભાળિયા) રહેતા હતા અને જામનગરમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હોઇ રાજુભાઇનાં વારસદારોએ રાજકોટની અકસ્માત ક્લેઇમ ટ્રીબ્યુનલ સમક્ષ ક્લેઇમ કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં એક તબક્કે અકસ્માત સર્જનાર બાઇકની વીમા કંપનીએ તારીખ 1/ 4/ 2022નો નવો નિયમ અકસ્માત સર્જનાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય વીમા કંપની વળતર ચૂકવવા બંધાયેલી નથી.
તેવો બચાવ લીધો હતો, જે સામે અરજદારના વકીલે બાઈકનો વીમો નવો નિયમ અમલમાં આવ્યા પહેલા લીધો હોવાના પુરાવા રજૂ કર્યા હતા. આ ઉપરાંત ગુજરનારનાં વકીલ દ્વારા આવકનાં પુરાવા, ઈન્કમટેક્ષ રિટર્ન તેમજ રાજુભાઇ 27 વર્ષની નાની ઉંમરમાં પત્ની, બાળક તથા પિતાનું ભરણપોષણ કરતા હતા તે તમામ આધાર પુરાવા રજૂ રાખેલ હતા. જેના આધારે અરજદારો, તેના વકીલ તેમજ સામેનાં મો.સા. ચાલકની વીમા કું.એ અંતે સ્વ. રાજુભાઈ કેશરીયાનાં પરિવારજનોને 49 લાખ ચૂકવવા કેસમાં સમાધાન કરેલ હતું. આ કેસમાં ગુજરનારનાં વારસદારો વતી એડવોકેટ તારીક પોઠીયાવાલા, એમ. એ. સુરૈયા તથા ધર્મશ ખીમસુરિયા રોકાયા હતા.