ગુજરાત

રાજકોટને પ્રથમ નેચરલ એજ્યુકેશન કેમ્પ મળ્યો

Published

on

માલિયાસણ ખાતે તબીબે 5 એકર સરકારી જમીનમાં બગીચો બનાવ્યા બાદ પરત કરી : 1200 વૃક્ષો સાથેનો બગીચો હવે બાળકો માટે ઉદ્યાન તરીકે વિકસાવાશે

ફળ, ફુલ, ઝાડ વાવવા માટે સરકારી જમીન ભાડા પેટે મેળવ્યા બાદ પણ તેનો હેતુ ફેરવી ફાર્મ હાઉસ તરીકે ઉપયોગ કરતાં હોવાના અનેક પ્રકરણો બહાર આવી રહ્યાં છે ત્યારે રાજકોટનાં એક તબીબે માલીયાસણ ગામ નજીક વર્ષો પહેલા પાંચ એકર સરકારી જમીન ફળ, ફુલ, ઝાડ ઉછેરવા માટે ભાડા પેટે લીધા બાદ તેમાં બગીચો બનાવી સ્વૈચ્છાએ કલેકટર તંત્રને આ બગીચો પરત કરી દઈ ઈમાનદારીનું દ્રષ્ટાંત પુરૂ પાડયું છે ત્યારે જિલ્લા કલેકટરે પણ આ બગીચાનો બાળકો ઉપયોગ કરી શકે તે માટે તેમાં સૌ પ્રથમ નેચરલ એજ્યુકેશન કેમ્પ બનાવવાનો નિર્ણય લઈ તે અંગેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.રાજકોટનાં ડોકટર રાજેશ ચાવડાએ 1991માં જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરી માલીયાસણ ખાતે પાંચ એકર જમીન ભાડા પેટે ફળ, ફુલ, ઝાડ વાવવા માટે મેળવી હતી.

જે જમીન હાઈ-વે ટચ આવેલ હોય અને બાજુમાં જ ચેક ડેમ અને તળાવ પણ આવેલ હોય નેચરલની દ્રષ્ટિએ પણ આ જમીન મોકાની છે. જેમાં તબીબે 30 વર્ષ સુધી પરસેવો પાડી પાંચ એકર જમીનમાં 1200 જેટલા વૃક્ષો ઉછેરયા હતાં. જેમાં આંબા, પપૈયા, દાડમ, જામફળ, નાળીયેરી સહિતના ઝાડ ઉછેરી વનરાવન બનાવી નાખ્યું છે.


તાજેતરમાં જ જિલ્લા કલેકટર દ્વારા બગીચા માટે ભાડા કરારથી મેળવેલી સરકારી જમીનમાં હેતુફેર થયો છે કે કેમ તે અંગે દરેક મામલતદારોને સર્વે કરી રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે.


જેમાં ઉપરોકત બગીચામાં પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેમાં બગીચો જ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કબજેદાર ડો.રાજેશ ચાવડાને વિદેશ જવાનું હોય અને હવે આ બગીચાની તેઓ સાર સંભાળ રાખી શકે તેમ ન હોય સ્વૈચ્છાએ ભાડા પેટે લીધેલી જમીનમાં બગીચાનો ઉછેર કરી જિલ્લા કલેકટરને પરત કર્યો હતો.
કલેકટર પ્રભવ જોષીએ પણ બગીચાની માવજત થાય અને બાળકો તેનો નેચરલ કેમ્પ તરીકે ઉપયોગ કરી શકે તે માટે બગીચા માટે ફોરેસ્ટ વિભાગ, માર્ગ મકાન વિભાગ અને મહેસુલ વિભાગને સાથે રાખીને એક કમીટી બનાવી છે અને 50 લાખના ખર્ચે તેમાં કેમ્પ બનાવવાનું આયોજન કર્યું છે. છ મહિનામાં બગીચાની બાજુમાં રહેલ એક એકર જમીનમાં કેમ્પ સાઈટ, શૌચાલય સહિતની સગવડતાઓ ઉભી કરવામાં આવશે અને ત્યારબાદ બાળકો આ બગીચાની કેમ્પ સાઈટ તરીકે ઉપયોગ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version