rajkot

રાજકોટમાં પાંચ વર્ષની બાળકીને ડાઘિયાઓએ ફાડી ખાતા લોકોમાં આક્રોશ

Published

on

રાજકોટ જેવા વિકસતા મહાનગરમાં ઢોર અને શ્વાનોનો ત્રાસ મહાનગરપાલિકાના તંત્ર માટે અતિ શરમજનક બાબત છે.આમ છતાં આ બાબતે કોઈ આકરા પગલા નહીં લેવાતાં હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ગઈકાલે સાંજે જંગલેશ્વર વિસ્તારમાં રખડતાં શ્વાનોના ટોળાએ માત્ર પાંચ વર્ષની બાળાને ફાડી ખાતા સ્થાનિક રહીશોમાં મહાનગરપાલિકા તંત્ર સામે રોષ ભભૂકી ઉઠયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ,મૂળ ઉત્તરપ્રદેશના કલીમભાઈ સૈયદ જંગલેશ્વરના ખ્વાઝા ચોક નજીક મફતીયાપરામાં રહે છે.મોડી સાંજે તેની પાંચ વર્ષની પુત્રી મોની નજીકમાં રહેતી માસીના ઘરે પગપાળા જતી હતી ત્યારે વિસ્તારમાં રખડતાં લગભગ આઠેક શ્વાનના ટોળાએ અચાનક તેની ઉપર હુમલો કરી,તેના શરીરના મોઢા,ગળા,વાંસાના ભાગો ઉપર બટકા ભરી લેતાં મોનીએ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ દમ તોડી દીધો હતો.આ ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ એકત્રિત થઈ ગયા હતા.તેમજ આ ઘટનાથી સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.તેમજ બાળકીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેમને ફરજમાં પરના તબીબે મૃત જાહેર કરી હતી.બાળકીના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,હાલમાં મહાનગરપાલિકા દ્વારા શ્વાનોનું ખસીકરણ કરી હડકવા વિરોધી રસી આપવામાં આવે છે. શહેરમાં એકલા જંગલેશ્વર વિસ્તારના નહીં પરંતુ અનેક વિસ્તારોના લોકો શ્વાનોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે.ખાસ કરીને રાતના સમયે વાહનચાલકોને અમુક વિસ્તારોમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે.આ ઘટના ખૂબજ ગંભીર છે. જેને ધ્યાને લઈ મહાનગરપાલિકા શ્વાનો બાબતે અસરકારક પગલાં લે તે જરૂૂરી છે.હાલમાં શહેરમાં ઢોર પકડવાની ઝુંબેશ પૂરજોશમાં ચાલું છે તે જ પ્રકારે શ્વાનોનો ત્રાસ નિયંત્રિત કરવા માટે મહાનગરપાલિકા ઝુંબેશ ચલાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

વર્ષ 2022-23 માં કૂતરા કરડવાની ઘટના: કોર્પોરેશન આંકડા
અમદાવાદ કોર્પોરેશન 60,630
રાજકોટ કોર્પોરેશન 3962
સુરત કોર્પોરેશન 20,609
બરોડા કોર્પોરેશન 7166
જૂનાગઢ કોર્પોરેશન 6108
જામનગર કોર્પોરેશન 11,326
ભાવનગર કોર્પોરેશન 76
ગાંધીનગર કોર્પોરેશન 5222

મહાનગરપાલિકાની બેદરકારીથી જ બાળકીનો ભોગ લેવાયો છે:સ્થાનિકોમાં ભભૂકયો રોષ

સ્થાનિકોએ જણાવ્યું કે,છેલ્લા ઘણાં સમયથી વિસ્તારમાં રખડતાં શ્વાનોનો અસહ્ય ત્રાસ છે.આ બાબતે અવાર-નવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતાં નથી. મહાનગરપાલિકાની ધોર બેદરકારીને કારણે જ આ ઘટના બની છે.ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે મહાનગરપાલિકા અસરકારક પગલાં લ્યે તે જરૂૂરી છે.

2008માં શ્વાન પકડવાનું કામ કરતો મનપાનો વિભાગ હાલ બંધ હાલતમાં

મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં હાલ અંદાજે 30 હજાર જેટલા શ્વાનો છે.વર્ષો પહેલાં શ્વાનોને પકડી દૂરના વિસ્તારોમાં છોડી મૂકાતા હતા.પરંતુ 2001માં આવેલા પ નિયમને કારણે હવે શ્વાનોને કોઈ વિસ્તારમાંથી પકડી શહેરની બહાર છોડી શકાતા નથી. આ જ કારણથી 2008ની સાલમાં મહાનગરપાલિકામાં શ્વાનને પકડવાનું કામ કરતો જે વિભાગ કાર્યરત હતો તેને બંધ કરી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version