રાજકોટના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યા

રાજકોટમાં રૈયાધારે ડ્રિમસીટીમાં રહેતા અને એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ જામનગરના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે…

રાજકોટમાં રૈયાધારે ડ્રિમસીટીમાં રહેતા અને એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ જામનગરના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે તમામ આરોપીને સકંજામાં લઈ પૂછપરછ શરૂૂ કરી છે.આ કેસની વિગતો મુજબ, ગત 24 એપ્રિલના રોજ નિમેષભાઈ, તેમના પત્ની સપનાબેન, 3 વર્ષની પુત્રી યશવી, મિત્ર લખન ઘેડીયા અને ડ્રાઈવર ભોલીયા સાથે રાજકોટથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ચોટીલા ટોલનાકે રાત્રિના સમયે એક સ્કોર્પિયો કારે તેમની વર્ના ગાડી આંતરી હતી. આ સ્કોર્પિયોમાંથી જયદિપસિંહ જાડેજા ઉર્ફે લાલા, ચિરાગ આહિર, એજાજ સાયચો અને અક્ષય ચાવડા સહિતના પાંચ શખ્સોએ ઉતરીને નિમેષભાઈના પરિવારનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું અને તમામને જામનગર તરફ લઈ ગયા હતા.

સમગ્ર વિવાદની જડમાં નાણાકીય લેતીદેતી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી નિમેષભાઈના જણાવ્યા અનુસાર, જામનગરના ચિરાગ આહિર મારફતે જયદિપસિંહ જાડેજાએ ’વ્હાઇટના નાણાં’ રોકડમાં કરી આપવા માટે 27 લાખ 20 હજાર રૂૂપિયા નિમેષભાઈના મિત્રના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, નિમેષભાઈ આ રકમ સમયસર પરત કરી શક્યા નહોતા અને ફોન બંધ કરી દીધો હતો, જેનાથી ઉશ્કેરાયેલા આરોપીઓએ આ ગુનાહિત કાવતરું રચ્યું હતું. અપહરણ બાદ આરોપીઓ તમામને જામનગરમાં ગીતામંદિર પાસે આવેલા એક બંગલામાં લઈ ગયા હતા, જ્યાં નિમેષભાઈ અને તેમના પરિવારને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યા હતા.

બંગલામાં ગોંધી રાખ્યા દરમિયાન આરોપીઓએ નિમેષભાઈને જાનથી મારી નાખવાની અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી આડેધડ ઢોર માર માર્યો હતો. મૃત્યુના ભય હેઠળ નિમેષભાઈએ અલગ-અલગ મિત્રો પાસેથી આંગડિયા મારફતે કુલ 9 લાખ 75 હજાર રૂૂપિયા મંગાવીને આરોપીઓને આપ્યા હતા. આ રકમ વસૂલ્યા બાદ આરોપીઓએ નિમેષભાઈના પત્ની, બાળકી અને મિત્રને મુક્ત કર્યા હતા,પરંતુ બાકીના નાણાંની વ્યવસ્થા કરવા માટે નિમેષભાઈને જનતા ફાટક પાસે અક્ષય ચાવડાની ઓફિસે લઈ જઈ ફરી ગોંધી રાખ્યા હતા.

આખરે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નિમેષભાઈને આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચો, અક્ષય ચાવડા, અમિત ચાવડા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે તમામ આરોપીને પકડી લીધા હતા.હાલ આ કેસની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર સુરભીબેન કેશવાલા ચલાવી રહ્યા છે.