રાજકોટ બન્યું યોગમય; અબાલ, વૃધ્ધ સૌ કોઈ યોગના રંગે રંગાયા

વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો અને રાજકીય અગ્રણીઓએ યોગ અને પ્રાણાયામ કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી   21 જુને 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો અને રાજકીય અગ્રણીઓએ યોગ અને પ્રાણાયામ કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી

 

21 જુને 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ ‘સ્વસ્થ વૃધ્ધાવસ્થા માટે યોગ’ હેઠળ દેશ વિદેશમાં અબજો લોકોએ સામુહિક યોગ સ્ત્રોમાં ભાગ લીધો હતો. શહેરમાં પણ શાળાઓ વિવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ દ્વારા યોગ શિબિરનું આયોજન થયું હતું. વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો અને રાજકીય અગ્રણીઓ યોગ અને પ્રાણાયમ કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી.

કુંડલિયા કોલેજ
શ્રીમતિ જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (અંગ્રેજી માધ્યમ) ખાતે વિશ્ર્વ યોગ દિવસ નિમિત્તે યોગાનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ સામુહિક યોગા અભ્યાસ કર્યો હતો. ઉપરાંત 27 જેટલા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પણ સવારે 7 વાગ્યાથી જોડાયો હતો.

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યુનિવર્સિટીના માનનીય કુલગુરુ, કુલસચિવ તેમજ વિવિધ કેન્દ્રો અને વિભાગોના નિયામકઓ, અધ્યક્ષઓ, અધ્યાપકઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ નિયમિત યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

લાઈફ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
રાજકોટના આવકવેરા વિભાગ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ’પ્રોજેક્ટ લાઇફ’ હેઠળ ’લાઇફ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર’ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ પ્રશિક્ષક મનાલી પરમાર અને ડો. રાજીવ મિશ્રા અને હેતલ ખેતાની જેવા અધિકારીઓના સહયોગથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગના મુખ્ય કમિશનર ડો. સુનિલ ગૌતમે તેમની હાજરીથી કાર્યક્રમને શોભાયમાન કર્યો. સવારના સત્રનું સંચાલન સમર્પિત યોગ પ્રશિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે ’સામાન્ય યોગ પ્રોટોકોલ’ અનુસાર વિવિધ આસનો (મુદ્રાઓ), પ્રાણાયામ (શ્વાસ લેવાની કસરતો) અને ધ્યાન તકનીકો દ્વારા સહભાગીઓને માર્ગદર્શન આપ્યું હતું.

રેલવે ડિવિઝન
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ2026ની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ(Yoga for Healthy Ageing) છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા અનુસાર, રાજકોટ સ્થિત કોઠી કમ્પાઉન્ડ રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સવારે 6:00 થી 7:50 વાગ્યા સુધી યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂૂઆત વંદે માતરમ્ સાથે થઈ હતી. વિશ્વ પ્રસિદ્ધ પતંજલિ યોગ સમિતિ, રાજકોટ કેન્દ્રના યોગ પ્રશિક્ષકો ગોપાલ શર્મા અને કિશોરભાઈ રાઠોડ તેમજ તેમની ટીમની દોરવણી હેઠળ રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોને આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત વિવિધ યોગાશન, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત અભ્યાસ કરાવવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્રસિંહજી કોલેજ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ દ્વારા તા.21 જુન, 2026નાં રોજ કોલેજના મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોગના મહત્વ અંગે ઉપસ્થિતોનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દૈનિક જીવનમાં યોગને અપનાવવાના સંદેશ સાથે સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધેલ હતો.

જી.ટી.શેઠ સ્કૂલ
જી. ટી. શેઠ સ્કૂલમાં ‘માય ભારત’ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીનીઓને મળ્યું યોગનું માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે તારીખ 21/06/2026 ને રવિવારના રોજ જી. ટી. શેઠ સ્કૂલ ખાતે ‘માય ભારત’(MY Bharat)સંયુક્ત કાર્યક્રમ અંતર્ગત યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે શાળાની વિદ્યાર્થીનીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવે તેવા હેતુથી એક વિશેષ માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના શિક્ષિકાબહેનો દ્વારા વિદ્યાર્થીનીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ગરિમા સમજાવીને તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીની બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સત્રમાં ભાગ લીધો હતો અને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

સરસ્વતી શિશુ મંદિર
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે શહેરના મારૂૂતિનગર ખાતે આવેલા પ્રવીણકાકા મણીઆર કેમ્પસના સરસ્વતી શિશુમંદિરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનાં સ્વયંસેવક રૂૂપાલીબેન પરીખ તથા તેમની ટીમના દેવર્ષિ ગગલાણી, કંદર્પ સોરઠિયા અને ધૈર્ય વ્યાસ વિશેષ યોગ પ્રશિક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એ જ પ્રકારે રણછોડનગરમાં આવેલા સરસ્વતી શિશુમંદિરમાં અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટરમાંથી સેવાસેતુ પ્રોજેક્ટ અંતર્ગત દિવ્યાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓ, આચાર્યો તથા શૈક્ષણિક સ્ટાફના સભ્યોને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું પ્રાયોગિક માર્ગદર્શન આપી યોગના સર્વાંગી લાભોથી અવગત કરાવી સામૂહિક યોગાભ્યાસ કરાવ્યો હતો.

સરસ્વતી વિદ્યાલય
શ્રી સરસ્વતી વિદ્યાલય બ્રાહ્યણીયાપરા ગોવિંદબાગ રાજકોટ ઉપક્રમે 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ વર્ષની વૈશ્ર્વિક થીમ (સ્વસ્થ વૃધ્ધત્વ માટે યોગ) અંતર્ગત ંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ મિત્રો એક સાથે મળીને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દિવ્ય અનુભવ કર્યો, યોગ્ય સમતોલ આહાર અને જરૂરી યોગ વડે સ્વસ્થ જીવન કઈ રીતે જીવી શકાય તેમજ ભવિષ્યમાં થનાર રોગો સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે અંગે શાળાના વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપેલ. સંસ્થાના આચાર્ય જે.ડી.ભાકર તેમનો આભાર વ્યકત કરેલ.

શ્રેયાંશ સ્કૂલ
તા.21 જુનના રોજ સમગ્ર વિશ્ર્વમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રેયાંશ સ્કૂલ (બજરંગવાડી) ખાતે વિદ્યાર્થીઓ, વાલીગણ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત યોગના મહત્વ અંગેની માહિતી સાથે કરવામાં આવી હતી. યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને એકાગ્રતામાં વધારો થાય છે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં યોગનું મહત્વ સમાજે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આર્ટ ઓફ લિવિંગ
આર્ટ ઓફ લિવિંગ રાજકોટ ચેપ્ટર દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી, 25 થી વધુ સ્થળોએ 15,000 થી વધુ લોકો માટે યોગ સત્રો યોજાયાં. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા છેલ્લા 45 વર્ષથી વિશ્વભરમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને માનવ મૂલ્યોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. આજે યોગના અભ્યાસથી થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાભોથી સમગ્ર વિશ્વ પરિચિત છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના દરેક ખૂણામાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂૂપે સંસ્કારી નગરી રાજકોટ તથા આસપાસના જિલ્લાઓમાં આર્ટ ઓફ લિવિંગ રાજકોટ ચેપ્ટર દ્વારા સરકારી સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, ઓફિસો, કોર્પોરેટ સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સહિત 25 થી વધુ સ્થળોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાનના વિશાળ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 15,000 થી વધુ લોકોએ યોગાભ્યાસનો લાભ લીધો.

શ્રી ગિરિરાજ હોસ્પિટલ
સમાજને ‘ઈલનેસ કેરથી વેલનેંસ કેર’ તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટીના સહયોગથી તેમના વિશાળ કેમ્પસ ખાતે યોજાયો હતો, જ્યારે ઈશા ફાઉન્ડેશનના પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ અને પ્રાણાયામ સત્રનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટના આ વિશાળ યોગોત્સવમાં 800 થી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, સામાજિક આગેવાનો અને યોગ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું અને ઉપસ્થિતિઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

ગાર્ડી વિદ્યાપીઠ
ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ ખાતે વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન (GCAUSM) ના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વી.એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગના ડો.વિદ્યાધર બલિકાઈ, ડો. રુદ્રી રાવલ તથા યોગ શિક્ષિકા સુ.શ્રી વંદના સૈનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. યોગ દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂૂપે આસન સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, રીલ મેકિંગ સ્પર્ધા તથા યોગિક સાત્વિક ફૂડ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ યોગ શિક્ષિકા વંદના સૈનીદ્વારા યોગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ યોગાસનો અને તેમના આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના વિદ્યાર્થીઓએ યોગ આધારિત નૃત્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું.