ગુજરાત

વરસાદી આફતે લસણના ભાવ પહોંચાડ્યા આસમાને

Published

on

એક મહિનામાં જ લસણનો કિલોનો ભાવ રૂા.150થી પહોંચ્યો 350: મણના રૂા.3500થી 5625 બોલાયા

શાકભાજી પણ મોંઘાડાટ થતાં ગૃહિણીઓમાં બોકાસો

ગત વર્ષ કરતા ઓછા ઉત્પાદન અને વરસાદી આફતને લીધે માલ બગાડથી લસણના ભાવ ઉંચકાઈ જતાં ગૃહિણીઓમાં બોકાસો બોલી ગયો છે.જો કે, બજાર અભ્યાસુઓ કહે છે કે, ગયા વર્ષે 8000થી 9000 સુધી મણે લસણના બોલાયેલા ભાવ સામે અત્યારે નીચો ભાવ રૂા. 3500 અને ઉંચો ભાવ રૂા. 5625 બોલાઈ રહ્યો છે. શહેરમાં વર્ષોથી લસણના વેપાર સાથે સંકળાયેલા વેપારી વજુભાઈ ત્રાડાએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું કે, સટ્ટાખોરીને આવકાશ નથી વાસ્તવમાં નીચા ઉત્પાદન અને વરસાદથી માલ બગડી જતાં લસણના ભાવ ઉંચકાઈ ગયા છે.


ખેતિ નિષ્ણાંતોએવું પણ કહે છે કે, આ વર્ષે હજારો હેક્ટરમાં લસણનું વાવેતર થયું છે પણ ઉપજ કેવી નિવડશે તે સમય જ બતાવશે બીજી બાજુ એકાદ મહિના પહેલા રૂા. 100થી 150 રૂપિયા કિલોએ મળતું લસણ અત્યારે રૂા. 350થી વધુના ભાવે વેચાઈ રહ્યું છે.


રસોડામાં લસણ વગર રસોઈ ફિક્કી લાગે છતાં મોંઘુ લસણ વાપરવું પડતુ હોવાનો કચવાટ ગૃહણિઓમાં સંભળાઈ રહ્યો છે. લસણની માર્કેટમાં ભાવ-ચડાવ-ઉતાર બાબતે વજુભાઈ ત્રાડાએ વધુમાં જણાવ્યું હતું કે, વરસાદી માહોલ વચ્ચે લસણની આવક તુટી ગઈ છે.


વળી વરસાદે માલ મગાડ્યો છે એ કારણે બજારમાં નહીવત દેખાતુ લસણ મોંઘુ થઈ ગયું છે. તેમણે ઉમેર્યુ હતું કે, ગત વર્ષે લસણના 20 કિલોના રૂા. 8500થી 9000 સુધી ભાવ પહોંચી ગયા હતાં. એ સરખામણીએ હાલમાં મણના રૂા. 3500થી 5600 બોલાઈ રહ્યા છે. જો આવકમાં સતત ઘટાડોથતો રહેશે અને વરસાદ વિલન બનશે તો હજુ ગયા વર્ષના ભાવ સુધી લસણનો ભાવ પહોંચવાની સંભાવના નકારી શકાતી નથી.રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો આજે 550 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. હરાજી દરમિયાન રૂા. 3500 સુધીનો ઉંચો ભાવ બોલાયો હતો.


વજુભાઈએ વધુમાં કહ્યું હતું કે, અહીંની માર્કેટમાં રાજકોટ જિલ્લા વિસ્તાર ઉપરાંત અમરેલી, બગસરા, કેશોદ, મેંદરડા, વિસ્તારમાંથી લસણની આવક થાય છે પણ વરસાદે આવક પર બ્રેક મારી દેતા લસણના ભાવ ધીમે ધીમે ઉંચકાઈ રહ્યા છે.

શાકભાજી પણ મોંઘાદાટ
શહેરની ગૃહણિઓમાંથી એવી વિગતો જાણવા મળી છે કે, લસણના ઉચકાયેલા ભાવ તો ઠીક વરસાદને કારણે આજુબાજુના વિસ્તારોમાંથી શાકભાજીની આવક પણ બંધ થઈ જતાં યાર્ડમાં બચેલા શાકભાજી શહેરની શેરીઓમાં પહોંચતા મોંઘાડાટ થઈ ગયા છે. યાર્ડમાં શાકભાજીની આવક અને હરરાજીમાં બોલાયેલા ભાવ પર નજર કરીએ તો રીંગણાની 350 ક્વિન્ટલ આવક સામે મણના ભાવ રૂા. 400થી 800, ભીંડો 360 ક્વિન્ટલની આવક સામે 400થી 700, ટીંડોળા પ્ર. 500થી 1000, કંટોલાના રૂા. 750થી 1300, મેથીના રૂા. 2000-2500 તેમજ આદુના મણે રૂા. 1000થી 1900 બોલાઈ રહ્યા છે. આમ શાકભાજી પણ મોંઘા થઈ જતાં ગૃહણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયાનો કચવાટ પેદા થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version