Site icon Gujarat Mirror

થાનગઢના ગુગલિયાણામાંથી ગેરકાયદે ખનન પર દરોડા, 62 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા પ્રાંત અધિકારીની સૂચનાના આધારે થાનગઢ પંથકમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ ₹62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાને સેખરડી-ગુગલીયાણા સીમ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન ચાલતી હોવાની ખાનગી બાતમી મળી હતી. આ માહિતી મળતા જ તેમણે તાત્કાલિક થાનગઢ મામલતદાર નિલેશ પટેલને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

પ્રાંત અધિકારીની સૂચના બાદ મામલતદારની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. ખનન સ્થળ પરથી એક જીસીબી મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹32 લાખ આંકવામાં આવી છે. આ મશીનને હાલ ચોટીલા પ્રાંત કચેરી ખાતે ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત, આજે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન ખનિજ ભરેલું એક ડમ્પર પણ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ડમ્પરની અંદાજિત કિંમત ₹30 લાખ છે. આમ, તંત્ર દ્વારા કુલ ₹62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ખાણ-ખનિજ વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની આગળની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. તંત્રની આ કડક અને આકસ્મિક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version