Site icon Gujarat Mirror

કચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખી

મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં 53 વર્ષીય પત્ની હવાબાઇ ઉપરી પતિ અભુ મામદ ગોધે છરીના અનેક ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી નાસી છૂટયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત મહિને ભુજમાં અને તેના બે દિવસ બાદ જ નાના વરનોરામાં પણ પતિએ પત્નીની હત્યા નીપજાવ્યાના બનાવ બાદ ભદ્રેશ્વરમાં પણ આવો બનાવ સામે આવ્યો છે.

આ હત્યાના બનાવ અંગે મુંદરા મરીન પોલીસ મથકના પી.આઇ. પી.કે. રાડાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભદ્રેશ્વરમાં રહેતા 55 વર્ષીય અભુ મામદ ગોધ અને 53 વર્ષનાં તેનાં પત્ની હવાબાઇ વચ્ચે રાત્રે 12:30 વાગ્યાના અરસામાં અભુ કંઇ કામ-ધંધો ન કરતો હોવાથી પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી અત્યંત ક્રોધમાં આવીને પતિ અભુએ તેની પત્ની હવાબાઇને છરી વડે મોઢાના ભાગે, ગરદન તથા કાન પાસે એક કરતાં વધુ ક્રૂરતાપૂર્વક ઘા મારીને ઘટનાસ્થળે ઢીમ ઢાળી દીધું હતું.

આ હત્યાનો બનાવ મોટી દીકરી અલ્ફાનાએ નજરે જોયો હોવાનું પણ શ્રી રાડાએ જણાવ્યું હતું. હત્યા નીપજાવી અભુ નાસી છૂટયો હતો, તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. હત્યાની જાણ થતાં જ મુંદરા પોલીસી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂૂરી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવાર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સંબંધિતો પાસેથી જાણવા મળ્યું છે. આ ઘટનાને લઇને ભદ્રેશ્વર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઇ ગયો છે. પાડોશીઓ અને સ્થાનિક લોકોમાં ઘટનાને પગલે ખળભળાટ મચ્યો હતો.

Exit mobile version