ગુજરાત

પ્રા. શિક્ષકો જિલ્લા ફેરબદલીમાં એક જિલ્લો જ પસંદ કરી શકશે

Published

on

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમોમાં કેટલાક નવા ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. શિક્ષકોની જિલ્લા ફેર બદલી માટેના હાલના નિયમમાં જિલ્લા પસંદગી વખતે ઉમેદવારને દર્શાવેલા કુલ જિલ્લા પૈકી 3 જિલ્લાની પસંદગી કરવાની તક મળતી હતી. પરંતુ હવે નવા નિયમમાં શિક્ષકો ત્રણના બદલે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરી શકશે. આ ઉપરાંત વધમાં પડેલા શિક્ષકો માટે વધ પરત કેમ્પ યોજવાની નવી જોગવાઈ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોના વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક અને જિલ્લા ફેર બદલી કેમ્પ દર વર્ષે યોજવામાં આવતા હોય છે. વધ-ઘટ કેમ્પથી બદલી થયેલા શિક્ષકને વધ-ઘટ તથા જિલ્લા આંતરીક બદલી કેમ્પ સહિત કુલ 5 કેમ્પમાં મુળ શાળામાં પરત આવવાની જોગવાઈ હતી. જોકે હવે વધુ એક વધ પરત કેમ્પ યોજવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જે સત્રમાં વધ-ઘટ કેમ્પ થાય એ જ સત્રમાં વધ પરતનો કેમ્પ થશે.


અરસ-પરસની અરજીઓ એપ્રિલમાં 1થી 15 તારીખના બદલે નિયામકની સુચના અનુસાર થશે. આ સિવાય જિલ્લાફેર એકતરફી ઓનલાઈન બદલી કેમ્પ બે ભાગમાં કરવામાં આવશે. આ બદલી કેમ્પમાં અરજી કરનાર શિક્ષકે પોતાની પસંદગીના કોઈ એક જિલ્લાની પસંદગી કરવાની રહેશે. અગાઉના નિયમમાં ઉમેદવાર પાસે 3 જિલ્લાની પસંદગીની તક હતી. ઉપરાંત જે તે જિલ્લામાં પોર્ટલમાં મળેલી તમામ અરજીઓની 50 ટકા અગ્રતા અને 50 ટકા સિનિયોરીટી મુજબ યાદી જનરેટ કરવામાં આવશે. યાદી મુજબ ખાલી જગ્યાઓ પૈકી પસંદગીની શાળાઓનો ક્રમ આપવાનો રહેશે. શાળા પસંદગી વખતે દંપતિ અગ્રતાના કિસ્સાવાળા શિક્ષકોએ તેઓના પતિ પત્નિને જિલ્લાના જે તાલુકામાં નોકરી કરતા હોય તે શાળાની પ્રથમ પસંદગી કરવાની રહેશે.

આ ઉપરાંત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કુલ ચાર સભ્યોની એક ફરિયાદ નિવારણ સમિતી બનાવેલી છે. જેમાં અધ્યક્ષ નિયામક હોય છે. આ સમિતી નવા ફેરફારો મુજબ માત્ર બદલી પૂરતી જ સિમિત બનાવી દેવાઈ છે. જૂના નિયમ મુજબ શિક્ષકને સેવા વિશષયક બાબત કે મળવાપાત્ર લાભની ફરિયાદ કરી શકતો હતો. પરંતુ હવે માત્ર બદલીને લઈ કોઈ નારાજગી હોય તો જ ફરિયાદ કરી શકશે. આ માટે બદલીના હુકમના 30 દિવસમાં જરૂૂરી આધાર પુરાવા સાથે નારાજગીના સ્પષ્ટ કારણો સાથે ફરિયાદ કરવાની રહેશે.દરેક માસ દરમિયાન કરવામાં આવેલી વહીવટી બદલીઓની આધાર-પુરાવા સહિતની વિગતો તે પછીના તરતના માસની 1થી 5 તારીખ દરમિયાન પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તે વિગતો શિક્ષણ વિભાગને રજૂ કરવાની રહેશે. આ વિગતોની ચકાસણી બાદ શિક્ષણ વિભાગને યોગ્ય જણાશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલી વહીવટી બદલીના હુકમમાં યોગ્ય ફેરફાર કરી શકાશે. આ અંગે શિક્ષણ વિભાગનો હુકમ આખરી ગણાવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version