Site icon Gujarat Mirror

ભાવનગરમાં વિજય સરઘસમાં વકીલ અને જજ વચ્ચે જાહેરમાં બઘડાટી

વિજયના નશાનો ઉન્માદ ઉછળ્યો, કોર્ટ પરિસરમાં ઢોલ-નગારાની ધબધબાટીથી મામલો બિચકયો, વાણી-વર્તન સામે વેધક સવાલ

ભલે થાય તે કરી લેવાનું, ત્યાં જઈને ઓર્ડર કરો… સહિતના સંવાદોથી સનસનાટી, જયુડિશિયલ સર્વિસ એસોસિએશનમાં ઉગ્ર પડઘા

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ એડવોકેટના સ્વાગત દરમિયાન રાજકીય નેતાઓની માફક ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો છે. આ મામલે વિવાદ કરવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂૂદ્ધસિંહ ઝાલાનું ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા.

આ સમયે વકીલે જજને કહ્યું તમે ડિસ્ટ્રીક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો, વિવાદ આગળ વધતા ભલે થાય, જે થાય એ કરી લેવાનું… મિસ્ટર… તમે તમારી ખુરશી સંભાળો… એ વગાડ… વગાડ… સાહેબ તમે કોણ છો… તમને ખબર છે… ઓ ડિસ્ટ્રીક્ટ જજ… તમે ડિસ્ટ્રીક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો… જેવા શબ્દોનું ઉચ્ચારણ થયું હતું.

આ બનાવ અંગે એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલની ચૂંટણીમાં જીત મેળવી મેં હેટ્રિક મારી હતી. એટલે મારા ભાવનગરના બધા વકીલોમાં ખૂબ ઉત્સાહ હતો. એ લોકોએ કહ્યું હતું કે, સાહેબ આપણે તમારું વિજય સરઘસ કાઢવું છે. એટલે રૂૂપમ ચોકથી કોર્ટના ગેટ સુધી આજે સવારે 10:30 વાગ્યે મારું વિજય સરઘસ નીકળ્યું હતું. એટલે અમે ઢોલ, નગારા, શરણાઈ બધુ વગાડતા હતા, ફટાકડા ફોડતા હતા. ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ત્યાં ચાલુ કેસે બોર્ડ ઉપરથી ઉતરી અને રોડ પર આવીને અમને કહ્યું કે, આ ઢોલ-નગારા બંધ કરો. મેં કહ્યું સાહેબ ઢોલ નગારા આજે અમારો ઉત્સવ છે. ઢોલ-નગારાને એવો બધો માહોલ બહુ હતો એટલે ઊંચા આવાજે કદાચ બોલ્યો હોય. બીજું વિશેષ કાંઈ નહોતું.

આ વિવાદ બાદ ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને હાઇકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં ભાવનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના વિજેતા ઉમેદવાર એડવોકેટ અનિરૂૂદ્ધસિંહ ઝાલાના વિજય સરઘસ વખતે કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પડતા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે તેઓને રોક્યા હતા. જેમાં અનિરુદ્ધસિંહ ઝાલાએ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે અણછાજતું વર્તન કર્યું હતું. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને ગુજરાત હાઇકોર્ટને એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા સામે ક્ધટેમ્પ કાર્યવાહી હાથ ધરવા અને બાર કાઉન્સિલને અનિરુદ્ધસિંહ ઝાલા સામે કડક પગલા લેવા માંગ કરી છે.

પ્રિન્સિપલ ડિસ્ટ્રિક જજ સાથે અણછાજતું વર્તન ન્યાયિક ગરીમાનું હનન કરનારું છે. તેનાથી યુવા વકીલ પેઢીમાં ખોટો સંદેશ જાય તેમ છે. વળી જજીસ ભય મુક્ત વાતાવરણમાં કામ કરી શકે તેની પણ તકેદારી રાખવી જરૂૂરી છે. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે એક સાથે ઊભા હોવાનો સૂર વ્યક્ત કર્યો છે.

Exit mobile version