Site icon Gujarat Mirror

ગઢડાના માંડવધાર ગામે જૂની અદાવતમાં પિતા-પુત્ર પર ખૂની હુમલો

ગઢડા તાલુકાના માંડવધાર ગામે જૂની અદાવતને લીધે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. પાણી ભરવા ગયેલા પિતા અને પુત્ર પર 8થી 10 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા બંનેને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માંડવધાર ગામના રહેવાસી હિમત ગઢાદરા અને તેમનો પુત્ર પ્રકાશ ગઢાદરા ગામમાં પાણી ભરવા ગયા હતા. આ દરમિયાન અગાઉની કોઈ અદાવતનું વેર રાખી 8 થી 10 અજાણ્યા શખ્સોએ અચાનક ધસી આવી તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા.
લોહીલુહાણ હાલતમાં પિતા-પુત્રને તાત્કાલિક ગઢડાની સ્થાનિક હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંનેની હાલત નાજુક જણાતા તબીબોએ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ રિફર કર્યા હતા.

ઘટનાની જાણ થતા જ ગઢડા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત હિમત ગઢાદરાના નિવેદન મુજબ, આ હુમલો જૂની અદાવત રાખીને કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version