Site icon Gujarat Mirror

જેતપુરમાં ખાનગી સ્કૂલની બસ બેકાબૂ બની, અકસ્માત સર્જતા પાંચ વીજપોલ ધરાશાયી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અમરનગર રોડ પર આવેલા વેકરીયા નગર વિસ્તારમાં એક ખાનગી સ્કૂલ બસની ટક્કરથી પાંચ વીજપોલ ધરાશાયી થયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્થાનિકોના વાહનો અને મકાનોને નુકસાન પહોંચ્યું હતું.ઘટનાની વિગત મુજબ સવારે એક ખાનગી સ્કૂલ બસ વેકરીયા નગરમાંથી પસાર થઈ રહી હતી. બસના ડ્રાઈવરે રિવર્સ લેતી વખતે રસ્તા પરના વીજપોલ સાથે જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે એક વીજપોલ નમી પડ્યો હતો.PGVCL ની ટીમ જ્યારે આ નમેલા વીજપોલના સમારકામની તૈયારી કરી રહી હતી, ત્યારે અચાનક એક પછી એક એમ કુલ પાંચ વીજપોલ ધરાશાયી થયા હતા. સદનસીબે તે સમયે વીજ પુરવઠો બંધ હોવાથી કોઈને કરંટ લાગવાની મોટી દુર્ઘટના ટળી હતી.ધરાશાયી થયેલા વીજપોલ નીચે પાર્ક કરેલી કાર અને અન્ય વાહનો પર પડ્યા હતા, જેનાથી વાહનોને વ્યાપક નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસી મહેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું કે તેઓ પોલ નીચેથી પસાર થઈ રહ્યા હતા અને માંડ એક સેક્ધડના તફાવતે તેમનો જીવ બચ્યો હતો, તેમના ટુ-વ્હીલરને ભારે નુકસાન થયું છે.

આ અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે લોકોના વાહનો તથા મકાનોને નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં PGVCL દ્વારા વીજપોલ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વીજપ્રવાહ પુન:સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.

Exit mobile version