રાજકોટમાં રહેતી સીમાબેન કાંતિભાઈ ઘાવરી નામની 30 વર્ષની યુવતીએ જામનગરમાં મહાવીર નગરમાં રહેતા દિલીપ કિશોરભાઈ સોલંકી સામે પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે અને પોતાની સાથે લગ્ન નહીં કરી રાજકોટમાં કરેલો પોલીસ કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી સીમાબેન કે જેના અગાઉ રાજેશ દિનેશભાઈ વાઘેલા સાથે લગ્ન થયા હતા, પરંતુ પતિ સાથે વિખવાદ થતાં તેણી જામનગર રહેવા આવી ગઈ હતી, અને આરોપી દિલીપ સોલંકી સાથે સંપર્કમાં આવ્યા બાદ દિલીપ તેની સાથે લગ્ન કરી લેશે, તેવુ પ્રલોભન આપ્યે રાખ્યું હતું, પરંતુ લગ્ન નહીં કરી મારકુટ કરતાં સીમાબેન રાજકોટ માવતરે ચાલી ગઈ હતી, અને રાજકોટમાંથી તેણીએ દિલીપ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ પાછી ખેંચાઈ જાય તેના માટે દિલીપ સીમાબેનને સમજાવીને જામનગર લઈ આવ્યો હતો, અને પોતાના મિત્રના ઘરે રાખી હતી. ત્યારબાદ પણ તેણે ફરીથી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો, અને રાજકોટનો પોલીસ કેસ પાછો ખેંચી લેવા માટેની ધમકી આપતાં અને મારકુટ કરતાં આ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
