રાજકોટના લોઠડામાં 200 કરોડની સરકારી જમીન ઉપર મેગા ડિમોલિશનની તૈયારી

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો કરનારાઓ સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટના લોઠડા ગામમાં સર્વે નંબર 167 પૈકી રોડની બંને…

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો કરનારાઓ સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટના લોઠડા ગામમાં સર્વે નંબર 167 પૈકી રોડની બંને બાજુ આવેલી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. અંદાજે 200 કરોડ રૂૂપિયાની બજાર કિંમત ધરાવતી આ સરકારી જમીન પર આશરે 100 જેટલા દબાણકર્તાઓએ ચા-પાનના ગલ્લા, કેબિન, શેડ તેમજ કારખાનાં સહિતનાં બાંધકામો ઊભાં કરી દીધાં હોવાની વિગતો સામે આવી છે.
આ મામલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા મામલતદાર કચેરી દ્વારા ભારતીય કાયદાની કલમ 202 અંતર્ગત દબાણકર્તાઓને આખરી નોટિસો ફટકારવામાં આવી છે.

 

આ કામગીરી દરમિયાન નાયબ મામલતદાર જોશી સહિતના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દબાણકર્તાઓને નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, લોઠડા ગામમાં આવેલી સર્વે નંબર 167 પૈકીની સરકારી જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. રોડની બંને બાજુએ ચા-પાનના ગલ્લા અને કેબિનો ઉપરાંત કેટલાક કારખાનેદારોએ શેડ તથા પાકાં-કાચાં બાંધકામો ઊભાં કરીને સરકારી જમીનનો ઉપયોગ શરૂૂ કરી દીધો હતો. અંદાજે 200 કરોડ રૂૂપિયાની કિંમત ધરાવતી આ જમીન પર આશરે 100 જેટલા દબાણો હોવાની વિગતોને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.

મહત્વની વાત એ છે કે, આ દબાણો દૂર કરવા માટે અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા સંબંધિત લોકોને નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા સરકારી જમીન ખાલી કરવામાં આવી નહોતી. વારંવારની સૂચનાઓ બાદ પણ દબાણો યથાવત રહેતાં તંત્રએ હવે કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત આખરી નોટિસ ફટકારીને કડક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. આખરી નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આગામી તા. 26 અને 27 નવેમ્બર, 2026ના રોજ દબાણો દૂર કરવાની મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણકર્તાઓ સ્વેચ્છાએ ગેરકાયદેસર બાંધકામો દૂર નહીં કરે તો વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી ડિમોલેશન કરવામાં આવશે. આ માટે જેસીબી, ટ્રેક્ટર સહિતનાં સાધનોની મદદ લેવામાં આવશે અને સરકારી જમીન પરથી તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.