ગુજરાત સરકારે દિવાળી પૂર્વે રાજ્યના 8.82 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ખુશખબર આપ્યા છે. સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 3% નો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી DA 60% થી વધીને 63% થશે. આ નિર્ણયથી 4 લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને 4.82 લાખ જેટલા પેન્શનરોને સીધો આર્થિક ફાયદો મળશે. ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર બહાર પડશે.
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આપ્યા છે. સરકારી કર્મચારી સંગઠનોની લાંબા સમયની માંગણીઓ અને રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકા નો વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 4 લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને 4.82 લાખ જેટલા પેન્શનરો મળીને કુલ 8.82 લાખથી વધુ લોકોને સીધો આર્થિક ફાયદો થશે. આ વધારામાં રાજ્ય સરકારી કર્મચારીઓ તેમજ પંચાયત સેવાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને અમલીકરણની તારીખ વિશે ટૂંક સમયમાં કેબિનેટ નિર્ણય બાદ આખરી વિગતો જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મે 2026 માં 7મા પગારપંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેથી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા થયું હતું. હવે આ નવા 3 ટકા ના વધારા સાથે જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને 63 ટકા ની સપાટીએ પહોંચી જશે. દાખલા તરીકે, જો કોઈ સરકારી કર્મચારીનો મૂળ પગાર (ઇફતશભ ઙફુ) ₹30,000 હોય, તો અત્યાર સુધી 60% લેખે ₹18,000 DA મળતું હતું. હવે 63% લેખે ₹18,900 મળશે, જેનાથી કર્મચારીના હાથમાં દર મહિને ₹900 નો સીધો રોકડ ફાયદો થશે.
મોંઘવારી ભથ્થાના વધારા ઉપરાંત તહેવારોને ધ્યાનમાં રાખીને રજાઓ અંગે પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ 9 નવેમ્બર ના રોજ જાહેર રજા રહેશે, જ્યારે તેની ભરપાઈ રૂૂપે 28 નવેમ્બરના શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખીને કામકાજ કરવામાં આવશે.
સોમવારે રજા જાહેર થતા સરકારી કર્મીઓને 4 દી’નું દિવાળી વેકેશન
રાજ્ય સરકાર દ્વારા ધોકાનાં પડતર દિવસે રજા જાહેર કરી છે. તા. 8 નવેમ્બર અને રવિવારના રોજ દિવાળી છે. તા. 9 સોમવારના રોજ પડતર દિવસ છે અને બાદમાં તા.10 ના રોજ મંગળવારે નવા વર્ષની રજા છે. ગુજરાત સરકાર દ્વારા 9 નવેમ્બર, સોમવારે પડતર દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવશે. આ રજાના બદલામાં 28 નવેમ્બરના રોજ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. આ અંગે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પરિપત્ર કરીને સત્તાવાર જાહેર કરી છે. જેને પરિણામે ગુજરાત સરકારના કર્મચારીઓને રવિવારથી બુધવાર એમ ચાર દિવસ જાહેર રજા મળશે.
