ગુજરાત

તાળાં તોડીને પણ પથ્થરબાજોને પોલીસ પકડશે: સંઘવી

Published

on

સુરતમાં તોફાની છમકલાના પગલે ગૃહમંત્રીએ ગાંધીનગરનો કાર્યક્રમ રદ કર્યો, આકરા તેવર

અસામાજિક તત્ત્વોને ઘરે ઘરે જઇ વીણી લેવા આદેશ, મોડીરાત્રે પંડાલમાં ગણપતિજીની આરતી ઉતારી

સુરતનાં સૈયદપુરામાં ગઈકાલે રાતે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનાએ સમગ્ર સુરત સહિત ગુજરાતને હચમચાવી દીધું છે. આ ઘટનાને પગલે રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસે ઝણવટભરી કાર્યવાહી કરી હતી અને પથ્થરમારો કરનારા શંકાસ્પદ અસામાજિક તત્વોનાં ઘરે-ઘરે જઈ વીણી વીણી એક-એક ઇસમની ધરપકડ કરી હતી.


સુરતમાં ગણેશ પંડાલ પર થયેલ પથ્થરમારાની ઘટના બાદ વિસ્તારમાં અજારકતાનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોડી રાતે ત્યાં પહોંચ્યા હતા. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી સાથે જ પોલીસને પણ પથ્થરમારાની ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા.


ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભગવાન ગણેશજીની આરતી પણ કરી હતી અને સુરત સહિત રાજ્ય અને દેશમાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. આરતી બાદ હર્ષ સંઘવીએ ઘટનાની માહિતી મેળવી હતી. તેમણે કહ્યું હતું કે, પથ્થરમારો કરનારા તત્વો ગણતરીની મિનિટોમાં પકડાઈ ગયા છે. ગુજરાતની શાંતિને ડહોળનારા તત્વોને છોડવામાં નહીં આવે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, તાળા તોડી-તોડીને અસામાજિક તત્વોને ઝડપી પાડીશું. ગમે એવા તાળા લગાવશે પણ બચી નહીં શકે. સુરત પોલીસ ગમે તેવા તાળા હશે તે તોડી દેશે. તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશે. એક-એક આરોપીને પકડીને જડબેસલાક જવાબ આપીશું. તેમણે કહ્યું હતું કે, મેં ગાંધીનગરનો કાર્યક્રમ રદ કર્યો છે, હું સુરતમાં જ છું. હું અહીં જ છું, ન્યાય અપાવીને જ ઝંપીશ.


હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, પોલીસનું એક્શન જોઈને હવે કોઈ પથ્થરમારાની હિંમત નહીં કરે. આ સાથે તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી અને કોઈ પણ અફવામાં ના દોરાવા જણાવ્યું હતું. જણાવી દઈએ કે, ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને સુરતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સુરત પોલીસે વીણી વીણીને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળોની ઘટનામાં અત્યાર સુધી 33 જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણ અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનાર 7 જેટલા ઈસમોને ઝડપી ફરિયાદ દાખલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version