સ્માર્ટ મીટરના બિલ વિતરણ કરવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલો

  રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કુબલિયાપરામાં પીજીવીસીએલ ના નાયબ અધિક્ષક પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આજી-1 સબ ડીવીઝન…

 

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કુબલિયાપરામાં પીજીવીસીએલ ના નાયબ અધિક્ષક પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આજી-1 સબ ડીવીઝન કચેરીમાં નાયબ અધિક્ષક તરીકે ફરજ બજાવતા કપિલગીરી શાંતિગીરી ગોસ્વામીએ આ અંગે થોરાળા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગત એવી છે કે, 27 ઓક્ટોબર 2026ના રોજ બપોરે આશરે બે વાગ્યે ઓફિસમાં સ્માર્ટ મીટરના બિલ વિતરણનું કામ કરતા કર્મચારી લક્ષ્મણભાઈ મકવાણા કુબલીયાપરા વિસ્તારમાં ગયા હતા. ત્યાં સાગર પાન પાસે એક બહેનની એક્સેસ મોટરસાયકલ સાથે તેમનું બાઇક સામાન્ય અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ તે બહેનના સંબંધીઓ સારવારના ખર્ચની માંગણી કરી ઝઘડો કરવા લાગ્યા હતા, જેથી લક્ષ્મણભાઈએ ફોન કરીને નાયબ અધિક્ષક કપિલગીરીને ઘટનાસ્થળે બોલાવ્યા હતા.

નાયબ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચ્યા અને સારવારનો જે પણ ખર્ચ થશે તે આપી દેવાની ખાતરી આપી હોવા છતાં, ત્યાં હાજર ત્રણ શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ જેમફાવે તેમ ગાળો આપીને કપિલગીરી અને વચ્ચે પડેલા કર્મચારી લક્ષ્મણભાઈને ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું.

આ દરમિયાન એક શખ્સે કપિલગીરીના નાક અને આંખના ભાગે ચાવીનો જુડો મારીને લોહીલુહાણ કરી મૂક્યા હતા. ત્યારબાદ હુમલાખોરો પૈકીના એક શખ્સે પોતાના નેફામાંથી છરી કાઢી, પોતાનું નામ ભાવેશ પરમાર હોવાનું જણાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત નાયબ અધિક્ષકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ભાવેશ પરમાર અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ નિલેષભાઈ ડામોરને તપાસ સોંપી છે.