પ્રથમ મેચથી જ આક્રમક વલણ અપનાવ્યું, કોહલીનું ‘વિરાટ’ પ્રદર્શન, પાટીદાર અને કોચ એન્ડી ફ્લાવરની પડદા પાછળની રણનીતિ ફળી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCB અને GT વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં પણ અપેક્ષાઓ પર ખરી ઉતરીને ગુજરાત ટાઇટન્સને હરાવીને સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કરી લીધું છે. આ પરાક્રમની સાથે જ બેંગલુરુ આ સિદ્ધિ મેળવનારી ચેન્નઈ અને મુંબઈ પછી માત્ર ત્રીજી ટીમ બની ગઈ છે.
આશરે દોઢ મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં ખિતાબી જીત સાથે જ એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આ ટીમે સતત બીજી વખત ચેમ્પિયન બનવા માટે પોતાના પર કેટલું વધારે કામ કર્યું છે. હેડ કોચ એન્ડી ફ્લાવર, સ્ટાફ અને મેનેજમેન્ટે પડદા પાછળ કામ કર્યું, તો કેટલીક એવી શાનદાર વાતો અને પ્રદર્શન સામે આવ્યા, જે RCBની જીતનું કારણ બન્યા. ચાલો RCBની ખિતાબી જીતના 5 સૌથી મોટા કારણો વિશે જાણીએ.
આક્રમકતાને બનાવ્યો ’સક્સેસ મંત્ર’ : કોચ એન્ડી ફ્લાવરની આગેવાનીમાં RCBએ પોતાની સફળતાના સૂત્રનો આધાર આક્રમકતાને બનાવ્યો. આ વિચાર ભલે બેટિંગ હોય, બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ આ બધામાં સાફ-સાફ ઝળકી આવ્યો અને આ વિચારને કેપ્ટન રજત પાટીદાર પોતે પોતાના ખભા પર લઈને આગળ વધ્યા, તો સૌથી જુનિયર અને અનકેપ્ડ પ્લેયરની રમવાની શૈલીમાં પણ તે સ્પષ્ટ જોવા મળ્યું. જે આક્રમકતા સાથે RCBએ મેગા ટૂર્નામેન્ટમાં એન્ટ્રી કરી હતી, તે જ એપ્રોચ સાથે તેના બેટ્સમેનોએ અંત પણ કર્યો. આખરે આ જ દ્રષ્ટિકોણ ટીમની ખિતાબી જીતનો આધાર સાબિત થયો.
ટોપ ઓર્ડરનું વિરાટ પ્રદર્શન : RCBની સફળતાનું બીજું સૌથી મોટું કારણ એ રહ્યું કે તેના મોટાભાગના ટોપના બેટ્સમેનોના પ્રદર્શનમાં માત્ર સાતત્ય જ ન રહ્યું, પરંતુ તેમણે સફળતાના મૂળ મંત્ર ’એટેક ઈઝ ધ બેસ્ટ પોલિસી’ને અંત સુધી જાળવી રાખ્યો. ઓપનિંગનો બીજો છેડો ચોક્કસપણે એવો રહ્યો જે સમય-સમય પર ડગમગતો રહ્યો. બીથલનું ફોર્મ બગડ્યું તો ફિલ સોલ્ટ આવ્યા. સોલ્ટનો સૂર બગડ્યો તો જાણે એકદમ યોગ્ય સમયે વેંકટેશ અય્યરને ઓપનર બનાવીને મેનેજમેન્ટે પોતાનો બગડેલો સૂર સુધારી લીધો.
કોહલીએ 16 મેચની એટલી જ ઇનિંગ્સમાં 56.26ની એવરેજ, 1 સદી અને 5 અર્ધસદી સાથે બેંગલુરુ માટે સૌથી વધુ 675 રન બનાવ્યા, શરૂૂઆતની ઓવરોમાં મોટો પોઝિટિવ બનીને આવેલા ઓપનર વેંકટેશ અય્યરે 7 મેચની 6 ઇનિંગ્સમાં 52.25ની એવરેજ અને 1 અર્ધસદી સાથે 209 રન બનાવ્યા. દેવદત્ત પડિક્કલે પણ 16 મેચની 15 ઇનિંગ્સમાં 33.14ની એવરેજ અને 2 અર્ધસદીથી 464 રન બનાવ્યા.પાટીદારનું આગળ રહીને નેતૃત્વ : RCBની સતત બીજી ખિતાબી જીતમાં રનના સરદાર ભલે વિરાટ રહ્યા, પરંતુ કેપ્ટન રજત પાટીદાર કરોડરજ્જુ સાબિત થયા. નંબર-4 પર પાટીદારનો સુનામી અંદાજ અને ફિલ્ડિંગ દરમિયાન કેપ્ટનશીપમાં નહિવત ભૂલોએ RCBની જીતની લયનું સ્તર ક્યારેય પડવા ન દીધું. પાટીદાર ટૂર્નામેન્ટના એવા કેપ્ટનોમાં સામેલ રહ્યા જેમણે 500 રનનો આંકડો પાર કર્યો. RCBના કેપ્ટને 15 મેચની 14 ઇનિંગ્સમાં 35.78ની એવરેજથી 501 રન બનાવ્યા.
જેમાં તેમની 5 અર્ધસદી રહી, પરંતુ જે વાત આ આંકડાઓમાં છુપાઈ ગઈ અને જેણે RCBનું ઘણું ભલું કર્યું, તે તેમનો 192.69નો સ્ટ્રાઈક રેટ હતો અને તેઓ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટના મામલામાં છઠ્ઠા નંબરે રહ્યા.ભુવનેશ્વર કુમાર બન્યા જાદુઈ હાથ! : બોલરોનો જાદુ ચાલ્યા વિના કોઈ પણ ટીમ ચેમ્પિયન બની જ ન શકે. આ જીતમાં 37 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસર ભુવનેશ્વર કુમાર RCB માટે આ સીઝનમાં ગોલ્ડન હેન્ડ સાબિત થયા. પાટીદારે જ્યારે પણ જરૂૂરિયાતના સમયે ભુવનેશ્વર તરફ બોલ ફેંક્યો, ભુવીએ કેપ્ટનને નિરાશ ન કર્યા. જો બેટિંગમાં ખિતાબી જીતનું સૌથી મોટું યોગદાન વિરાટનું રહ્યું, તો બોલ સાથે આ જ ભૂમિકા ભુવનેશ્વરે નિભાવી. ભુવનેશ્વર કુમાર રમેલી 16 મેચોમાં 63 ઓવરોમાં 28 વિકેટ લઈને સીઝનના બીજા સૌથી સફળ બોલર રહ્યા.
કૃણાલ પંડ્યાનો ઉત્તમ સાથ/રાસિખે પણ લંબાવ્યો હાથ : જો જીતના કારણોમાં મિડલ ઓર્ડરની કરોડરજ્જુ કેપ્ટન રજત પાટીદાર રહ્યા, તો આવી જ ભૂમિકા કૃણાલ પંડ્યાએ પણ નિભાવી. જો એમ કહેવામાં આવે કે, આ સીઝન કૃણાલના કરિયરની સર્વશ્રેષ્ઠ સીઝન રહી, તો તે ખોટું નહીં જ હોય. કૃણાલ પંડ્યાએ બેટિંગમાં 16 મેચની 9 ઇનિંગ્સમાં 37.66ની એવરેજ અને 1 યાદગાર અર્ધસદી સાથે 226 રન બનાવ્યા, તો બીજી તરફ તેમણે બોલિંગમાં પણ દમદાર પ્રદર્શન કરતા 50.3 ઓવરોમાં 14 વિકેટ ઝડપી. તેમનો ટીમમાં સૌથી ઓછો ઇકોનોમી રન રેટ (8.41) રહ્યો, તો જમ્મુ-કાશ્મીરના યુવા પેસર રાસિખ સલામે પણ ભુવનેશ્વર અને ટીમને મદદ કરવામાં સારો હાથ આગળ વધારતા 12 મેચોમાં નાખેલી 42.5 ઓવરોમાં 19 વિકેટ લીધી.
બોલિંગ-બેટિંગ સાથે માઇન્ડ ગેમમાં પણ RCB છવાયું
IPL ની આ હાઈ વોલ્ટેજ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેટ,બોલ સાથે માઈન્ડ ગેમમાં પણ ગુજરાતને હરાવી ચેમ્પિયન શિપ મેળવી હતી. RCBના ફાસ્ટ બોલરોએ પિચની પ્રકૃતિને ઝડપથી સમજી લીધી અને તે મુજબ ગુજરાતના બેટ્સમેનોને નિશાન બનાવ્યા.પરિણામે, ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 155 રન જ બનાવી શક્યું. શરૂૂઆતથી જ સ્પષ્ટ હતું કે પિચ બેટ પર સરળતાથી આવી રહી ન હતી. આવી સ્થિતિમાં, RCBના બોલરોએ ફુલ-લેન્થ અથવા સતત ધીમી ડિલિવરીને બદલે હાર્ડ લેન્થ ડિલિવરી અને રાઇઝિંગ ડિલિવરીનો આશરો લીધો. આ રણનીતિ ગુજરાતની બેટિંગ માટે મોંઘી સાબિત થઈ.
RCBની સફળતાનું સૌથી મોટું કારણ એ હતું કે તેઓ તેમની બોલિંગ યોજના ચુસ્ત રહી હતી. બોલરોએ વધારાના ઉછાળા અને પિચની ધીમી ગતિનો ફાયદો ઉઠાવ્યો. બેટ્સમેનોને સતત પાછળ ધકેલી દેવામાં આવતા હતા અને ખરાબ શોટ રમવા માટે મજબૂર કરવામાં આવતા હતા. ફાઇનલ જેવા મોટા સ્ટેજ પર, RCBના બોલરોએ દર્શાવ્યું કે કેવી રીતે યોગ્ય રણનીતિ અને સચોટ અમલ મેચનું પાસુ ફેરવી શકે છે. રસિક સલામે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી. ભુવનેશ્વર કુમારે 29 રન આપીને 2 વિકેટ લીધી, જ્યારે જોશ હેઝલવુડે 37 રન આપીને 2 વિકેટ લીધી.
