મમતા-અભિષેક પોતે વાવેલું જ લણી રહ્યા છે

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની હાર થઈને ભાજપે ભવ્ય જીત ત્યારથી સતત હિંસા ચાલ્યા જ કરે છે પણ તેની ક્યાંય નોંધ નહોતી…

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની હાર થઈને ભાજપે ભવ્ય જીત ત્યારથી સતત હિંસા ચાલ્યા જ કરે છે પણ તેની ક્યાંય નોંધ નહોતી લેવાતી. શનિવારે મમતા બેનરજીના ભત્રીજા અને લોકસભાના સાંસદ અભિષેક બેનરજી પર હુમલો થતાં અચાનક બંગાળની હિંસા પાછી રાષ્ટ્રીય સ્તરે ચમકી ગઇ. આ હુમલાને પગલે અભિષેક અને મમતા બંને ભાજપ સરકાર પર તૂટી પડયાં છે. મમતા બેનરજીએ ભાજપની શુભેન્દુ સરકારની સરકારના ઈશારે આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે તો અભિષેક બેનરજીએ તો પોતાને મારી નાંખવાનો કારસો ઘડાયો હોવાનો આક્ષેપ જ કરી નાંખ્યો છે. અભિષેક બેનરજીના કહેવા પ્રમાણે, ભાજપ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે અને પોતે હેલમેટ ના પહેરી હોત તો મારું માથુ ફાડી નાખીને મને ઉપર જ પહોંચાડી દીધો હોત. ભાજપના ગુંડા સંજુ કરમાકરનાં વૃદ્ધ માતા-પિતાને પતાવી દેશે એવો આક્ષેપ પણ અભિષેકે કર્યો છે. ભાજપે આ વાતને બકવાસ ગણાવી છે. ભાજપનું કહેવું છે કે, તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનમાં સોનારપુરમાં હાલત બદથી બદતર થઈ ગઈ છે.

શહેરમાં સારા રસ્તા નથી ને પીવાનું પાણી પણ મળતું નથી તેથી લોકોમાં આક્રોશ હતો. અભિષેક તૃણમૂલ કાર્યકરોને મળવાના બહાને રાજકારણ રમવા ઊતરી પડ્યા તેથી આ આક્રોશ બહાર આવી ગયો. પણ બંગાળનો વિકાસ કરીને પોતાની સ્થિતિ મજબૂત બનાવવાના બદલે ગુંડાગીરીના જોરે જ સત્તા ટકાવી રાખવાનો રસ્તો મમતાએ અપનાવ્યો. મમતાએ 2011માં ડાબેરીઓને હરાવીને બંગાળમાં સત્તા કબજે કરી પછી ડાબેરીઓને શોધી શોધીને સાફ કરી નાંખ્યા. મમતાએ પોતાની સામે પડનારા બધાંને હિંસાના જોરે ખતમ કરીને બંગાળમાં એકચક્રી શાસન સ્થાપ્યું પણ વિકાસ ના કર્યો. ભાજપે મમતાને તેમની જ દવાનો ડોઝ આપીને સત્તા કબજે કરી અને હવે મમતાને તેમની જ દવાનો ડોઝ આપી રહ્યો છે ત્યારે મમતાને આ દવા કડવી લાગી રહી છે.

મમતા ગુંડાગીરીના રાજકારણની પેદાશ હોવાથી ફરી બેઠાં થવા માટે પણ ગુંડાગીરીનો આશરો લઈ રહ્યાં છે પણ હવે પોતે સત્તામાં નથી પણ ભાજપ સત્તામાં છે ને સત્તામાં હોય તેનાથી મોટો કોઈ ગુંડો ના -હોય એ વાત મમતાને સમજાતી નથી. મમતાએ સામ્યવાદીઓની ગુંડાગીરીનો ગુંડાગીરીથી જવાબ આપવા ગુંડા ટોળીઓ ઊભી કરી. સિંગૂર અને નંદીગ્રામમાં ડાબેરી પક્ષોએ ગુંડાગીરી કરીને મમતાને દબાવી દેવા પ્રયત્ન કરેલો ત્યારે મમતાએ તેનો જવાબ ગુંડાગીરીથી આપીને ડાબેરીઓના પાયા હચમચાવી દીધેલા. મમતા ફરી બેઠાં થવા માટે નંદીગ્રામ ને સિંગૂર જેવા કાંડ કરવા પ્રયત્ન કરશે એ જોતાં બંગાળમાં નજીકના ભવિષ્યમાં શાંતિ નહીં સ્થપાય.