Site icon Gujarat Mirror

અમરેલી પંથકમાં 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાથી ગભરાટ

અમરેલીના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ધરતીના પેટાળમાં સર્જાયેલી અસાધારણ હલચલે સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય પેદા કર્યું છે. જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ધરતીકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. પરંતુ આજે તો પથંકમાં એક પછી એક હળવા આંચકાઓનો અનુભવ થતા સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં રાત્રિના સમયથી લઈને સવારના 9 વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં સતત 8 વાર આંચકાઓ અનુભવાયા હતા. આ કુદરતી પ્રક્રિયાને કારણે મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા જેવા અનેક ગામોમાં ધરતી ધ્રૂજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સિસમોલોજી વિભાગે આ તમામ આંચકાઓની પુષ્ટિ આપી છે, જેના કારણે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.

ધરતીકંપના આંચકાઓની શરૂૂઆત વહેલી સવારથી જ થઈ ગઈ હતી, જેમાં 4:15 વાગ્યે 1.8ની તીવ્રતાનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ માત્ર એક જ મિનિટના અંતરે 4:16 વાગ્યે 2.3ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 4:24 કલાકે 1.0 અને 4:57 મિનિટે 1.4ની તીવ્રતાના આંચકા આવ્યા હતા. ત્યારબાદ સવારે 7:00 વાગ્યે ફરી 2.2ની તીવ્રતાનો ઝટકો અનુભવાયો હતો. આ 5 કલાકના સમયગાળામાં સતત જમીન હલતી રહેતા લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા.

આજના દિવસનો સૌથી શક્તિશાળી આંચકો સવારે 7:15 મિનિટે અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.58 નોંધાઈ હતી. આ આંચકો એટલો પ્રબળ હતો કે ઘરની ચીજવસ્તુઓ હલવા લાગી હતી. અને મીતીયાળા આસપાસના પંથકમાં લોકોમાં ફફડાટ વધી ગયો હતો. ત્યારબાદ પણ આશરે 7:51 મિનિટે 1.5 અને 8:57 મિનિટે 1.5ની તીવ્રતાના આંચકા ચાલુ રહ્યા હતા. સિસમોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 43 કિલોમીટર દૂર નોંધાયું છે.

સતત પાંચ કલાકમાં 8 આંચકા આવતા મીતીયાળા અને આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકોમાં એવી ચર્ચા છે કે, ધરતીના પેટાળમાં થઈ રહેલી આ હલચલ કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત તો નથી ને? ખેડૂતો અને શ્રમિકો જે વહેલી સવારે ખેતરે જતા હોય છે, તેઓ પણ આ ધ્રુજારીના કારણે ફફડી ઉઠ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર હાલમાં સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અને લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે. સતત આવતા આ આંચકાઓએ અમરેલી જિલ્લાના દક્ષિણ ભાગને હચમચાવી નાખ્યો છે.

Exit mobile version