Site icon Gujarat Mirror

આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો

રાજકોટના હડાળા ગામ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અનિષાબેન સરફરાજ કુરેશી નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિગતો મુજબ, અનિષાબેને પોતાનું મકાન આફ્રિકન વિદ્યાર્થીઓને ભાડે આપ્યું હતું. આ વિદ્યાર્થીઓએ મકાન ખાલી કરી દીધા બાદ જ્યારે અનિષાબેને તેમની પાસે બાકી રહેલા ભાડાની માંગણી કરી, ત્યારે મામલો બિચક્યો હતો. બપોરના આશરે ત્રણ વાગ્યાના અરસામાં ઉશ્કેરાયેલા આ અજાણ્યા આફ્રિકન શખ્સોએ મહિલા પર ઈંટ અને લાકડાના પાટિયા વડે હિચકારો હુમલો કર્યો હતો, જેમાં મહિલાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડવા માટે દરમિયાનગીરી કરી હતી અને હુમલો કરનાર વિદ્યાર્થીઓને કાયદાનું ભાન કરાવતા આખરે તેઓએ બાકી રહેલું ભાડું ચૂકવી દીધું હતું. જોકે, દિનદહાડે થયેલા આ હુમલાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ઈજાગ્રસ્ત મહિલા હાલમાં સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version