કોઈના દોરી સંચારથી ઉશ્કેરાઈ નિવેદન આપ્યાનું કથિત પત્રકાર સુરેશ વડેચાનું કથન
રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાને બદનામ કરવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. ભોગ બનનારે કોર્ટમાંથી ફરિયાદ પરત ખેંચી લીધી છે. ડીસીપી જગદીશ બાંગરવાને નિશાન બનાવી તેમને બદનામ કરવાના રચાયેલા એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તેમના વિરુદ્ધ કરવામાં આવેલી કથિત ભ્રષ્ટાચાર અને સતામણીની ફરિયાદ ભોગ બનનાર દ્વારા પરત ખેંચી લેવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે.
થોડા સમય પૂર્વે સુરેશ વડેચા નામના શખ્સે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ કોર્ટમાં દાખલ કરી હતી. આ ફરિયાદમાં પોલીસ અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પોલીસની છબી ખરડાઈ હતી. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરેશ વડેચાએ કોર્ટમાં પોતાની ફરિયાદ પરત ખેંચવાની અરજી કરી હતી. સુરેશ વડેચાએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેણે કોઈના ઈશારે અને ઉશ્કેરણીમાં આવીને આ પગલું ભર્યું હતું.
સુરેશ વડેચાએ સોશિયલ મીડિયાના એક નિવેદનમાં જણાવ્યું કે, “હું જગદીશ બાંગરવા સાહેબને વ્યક્તિગત રીતે ઓળખતો પણ ન હતો. મેં જે કંઈ પણ નિવેદનો આપ્યા હતા તે અન્ય વ્યક્તિઓના કહેવાથી અને ઉશ્કેરાઈને આપ્યા હતા. મારો હેતુ સાહેબને બદનામ કરવાનો ન હતો, પરંતુ મને ખોટી રીતે ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો.” આ ઘટનાથી એ સ્પષ્ટ થયું છે કે રાજકોટમાં કેટલાક તત્વો કાર્યરત છે જેઓ પ્રામાણિક અધિકારીઓની કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે સામાન્ય નાગરિકોનો મહોરા તરીકે ઉપયોગ કરે છે. આ પર્દાફાશ બાદ હવે પોલીસ વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યો છે કે સુરેશ વડેચાને ઉશ્કેરનાર અને આ ષડયંત્ર પાછળના અસલી સૂત્રધાર કોણ છે.
ડીસીપી જગદીશ બાંગરવા વિરુદ્ધની ફરિયાદ પરત ખેંચાતા અને સત્ય બહાર આવતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બાબતને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે, ખોટી ફરિયાદો કરીને પોલીસનું મનોબળ તોડનારા તત્વો સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે. અહેવાલ સાબિત કરે છે કે સોશિયલ મીડિયા કે અફવાઓના આધારે કોઈ પણ અધિકારીની છબી ખરડાય તે પહેલા સત્યની તપાસ કરવી અનિવાર્ય છે. હાલમાં આ મામલે રાજકોટ પોલીસમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવશે.

