5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સાંજથી ગોરંભાયેલા વાદળોની જમાવટ વચ્ચે…

રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સાંજથી ગોરંભાયેલા વાદળોની જમાવટ વચ્ચે હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે. જો કે આ વખતે ચોમાસુ મોડુ શરૂૂ થયુ છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયો તળિયાઝાટકની આરે હતા. એવા સમયે જ આગાહી મુજબ મેઘસવારી આવતા લોકોના જીવામાં જીવ આવ્યા છે. ખાસ કરીને રાજકોટનો જીવ કહી શકાય તેવા આજી-1 ડેમમાં સૌ-પ્રથમ એકસાથે અડધા ફૂટ નવા નીરના શ્રીગણેશ થયા છે. રાજકોટ સિંચાઇ વર્તુ હેઠળ આવતા રાજકોટ, મોરબી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર પંથકના 22 જળાશયોમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધાથી 6 ફૂટની આવક થઇ છે. સૌથી વધુ આવક સુરેન્દ્રનગરના નિંભણી જળાશયમાં 6 ફૂટની આવક થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

જયારે આજી-2, ભાદર-2, ડેમી-1, મચ્છુ-3, મચ્છુ-2 અને વાંસલ ડેમના દરવાજા ખોલાયા છે. તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ત્રીજી વખત છલકાય જતા આ મહાકાય ડેમના 30 દરવાજા ત્રણ મીટર ખોલવામાં આવ્યા છે. આ સિવાય અમરેલી જિલ્લાના ધાતરવાડી, ખોડીયાર, સુરજકરાડી, સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ, મહુવાનો રોજકી, માલણ, ઉમરાળાનો રંધોળા, ઘોડાધ્રોઇ, બોટાદનો ખંભાડા વિગેરે ડેમ 90 ટકાથી વધુ ભરાઇ જતા હાઇએલર્ટ જાહેર કરાયું છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસુ બેસી જતુ હોય છે પરંતુ આ વખતે મોડા દર્શન થતા ખાસ કરીને ધરતીપુત્રો ઉપર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા હતા, કુવા સુકાઇ ગયા હતા. બોર ડૂકી ગયા હતા. નદી પટમાં ફેરવાવા લાગી હતી. ડેમના તળિયા દેખાવા લાગ્યા હતા. પીવાના પાણીની સાથે ખેતરોમાં પિયત માટેની પણ ચિંતા હતી.

બરોબર ત્યારે જ મારા વ્હાલા મેઘરાજાએ અમિદ્રષ્ટિ કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના રાજકોટ જિલ્લા ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને અમરેલી જિલ્લાના 12 જેટલા જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમા સૌથી વધુ જામનગર જિલ્લાના ઉમિયાસાગર ડેમમાં 10.17 ફૂટ, ફલઝરમાં 9.25 ફૂટ, રાજકોટ જિલ્લાના સોડવદરમાં 9.02 ફૂટ, વેણુ-2માં 6.63 ફૂટ અને મોજ ડેમમાં 4.72 ફૂટ નવા નીરની પધરામણી થઇ છે. હજુ પણ ઉપરવાસમાંથી ધીંગી આવક ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સાત જિલ્લાના મોટા જળાશયો ઉપર બાંધવામા આવેલા ચેકડેમમાં પણ નવા નીરની આવક શરૂૂ થઇ ચુકી છે. ચેકડેમ ભરાયા બાદ ડેમમાં જળરાશી આવવાનો પ્રવાહ વધી જશે. જો કે ચેકડેમ ભરાવા લાગતા આસપાસના ખેતવિસ્તારોના તળ ઉંચા આવવા લાગ્યા છે. પિયત માટેની ચિંતા હળવી થવા લાગી છે.