પાલિકા-મહાપાલિકામાં એકસ આર્મીને મળશે અનામત

કોર્પોરેશન અને નગરપાલિકાઓની વિવિધ ભરતીમાં એક્સ આર્મી મેનને પણ અનામત આપવામાં આવશે એવો સરકારી ઠરાવ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે પૂર્વ…

કોર્પોરેશન અને નગરપાલિકાઓની વિવિધ ભરતીમાં એક્સ આર્મી મેનને પણ અનામત આપવામાં આવશે એવો સરકારી ઠરાવ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે પૂર્વ આર્મી કર્મચારી દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજીનો હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે નિકાલ કર્યો હતો અને રાજ્ય સરકારના સરકારી ઠરાવને કોર્ટના આદેશમાં રેકર્ડ પર લેવામાં આવ્યો હતો. આ સાથે જ એક્સ આર્મી મેનને મ.ન.પા. અને ન.પા.માં નોકરીઓમાં અનામત મળવાનો માર્ગ મોકળો થયો છે.

હાઇકોર્ટની ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે 24મી જુલાઇના રોજ એક ઠરાવ કરીને નિવૃત્ત આર્મી કર્મચારીઓને અનામતની જોગવાઇ કરી છે. જે મુજબ પૂર્વ આર્મી કર્મચારીઓને મનપા અને નપામાં વર્ગ-1 અને 2માં એક ટકા, વર્ગ-3માં 10 ટકા અને વર્ગ-4માં 20 ટકા અનામત આપવા સરકારે ઠરાવ કર્યો છે. આ ઠરાવ થતાં જાહેરહિતની અરજીમાં જે તકરાર ઊભી કરવામાં આવી હતી એનો અંત થયો છે અને હવે કોઇ દાદ બાકી રહેતી નથી. તેથી આ જાહેરહિતની અરજીનો નિકાલ કરવામાં આવે છે.

આ કેસમાં શુક્રવારે મુખ્ય સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 24મી જુલાઈ 2026 ના રોજ એક ઠરાવ કર્યો છે. જે મુજબ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ભરતીમાં પૂર્વ સૈનિકોને વર્ગ-1 અને 2 માં એક ટકા, વર્ગ-3 માં દસ ટકા અને વર્ગ-4 માં 20 ટકા અનામત આપવામાં આવશે. આ અંગે કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝને પણ જાણ કરીને ઠરાવનો અમલ કરવાનું જણાવ્યું છે.

આ સમગ્ર મામલે હાઇકોર્ટ સમક્ષ એક રસપ્રદ જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં એવી દાદ માંગવામાં આવી છે કે કોર્પોરેશનની વિવિધ પોસ્ટ માટે એક્સ આર્મી મેનને રિઝર્વેશન આપો. પૂર્વ આર્મી કર્મચારી દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે જાહેરહિતની અરજીમાં ગુજરાતમાં આવેલી મહાનગરપાલિકાઓમાં વિવિધ વર્ગના કર્મચારીઓની વિવિધ પોસ્ટમાં એક્સ આર્મી મેન માટે અનામતની માંગ કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું હતું કે વર્ષ 2021 માં તેમને આવા જ મામલે કોર્ટ સમક્ષ સફળ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ આ બાબતની અમલવારી નહીં થતાં ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે. અરજદાર તરફથી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે,સેનેટરી ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર વગેરે જેવી મહત્ત્વની જગ્યાઓ પર એક્સ આર્મી મેનને અનામતનો લાભ આપવો જોઇએ.