નાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા

રાજકોટના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સની ફાળવણી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયામાં આ વર્ષે એક રસપ્રદ ટ્રેન્ડ…

રાજકોટના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સની ફાળવણી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયામાં આ વર્ષે એક રસપ્રદ ટ્રેન્ડ સામે આવ્યો છે. મેળામાં હવે રમકડાંના વેપારીઓને ઓછે રસ અને મનોરંજન રાઇડ્સ માટેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

લોકમેળામાં દર વર્ષે ભારે આકર્ષણ જમાવતા રમકડાંના સ્ટોલ માટે આ વખતે વેપારીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી. મકડાંના 100 સ્ટોલ સામે માત્ર 95 ફોર્મ જ ભરાયા છે. જેટલા સ્ટોલ ઉપલબ્ધ છે તેના કરતાં પણ 5 ફોર્મ ઓછા આવ્યા છે.આ સ્થિતિને કારણે તંત્રએ રમકડાંના સ્ટોલ માટે કોઈપણ પ્રકારની હરાજી કરવાની જરૂૂર રહેશે નહીં. અરજી કરનાર તમામ 95 વેપારીઓને સીધી જ ફાળવણી કરી દેવામાં આવશે, જ્યારે બાકી રહેલા 5 સ્ટોલ અંગે તંત્ર આગામી સમયમાં નિર્ણય લેશે.

તો બીજી તરફ નાના બાળકો માટેની ’નાની ચકરડી’ના પ્લોટ મેળવવા માટે સંચાલકો વચ્ચે ભારે પડાપડી જોવા મળી છે.માત્ર 24 પ્લોટ સામે 206 જેટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા આ વિભાગમાં ભારે હરીફાઈ સર્જાઈ છે. હવે આ પ્લોટની ફાળવણી માટે હરાજી થશે. જેનાથી મેળો યોજક તંત્રને સારી એવી આવક થવાની શક્યતા સેવાઈ રહી છે.

લોકમેળાના ફોર્મ વિતરણ અને પરત સ્વીકારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે ડ્રો અને હરાજીનો ધમધમાટ શરૂૂ થશે. કેટેગરી – બી રમકડા, કેટેગરી-સી નાની ખાણીપીણી, કેટેગરી-જે મધ્યમ ચકરડી અને કેટેગરી-કે નાની ચકરડીના સ્ટોલ-પ્લોટ માટે સોમવારે હરાજી થશે. જ્યારે અન્ય સ્ટોલ-પ્લોટની હરાજીની તારીખોમાં અગાઉ જાહેર કરેલા મુજબ જ હરાજી યોજાશે તેમ લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ શહેર-1 દ્વારા જણાવાયું છે.