Site icon Gujarat Mirror

જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે તકરાર થતા પાડોશીનો તલવાર વડે હુમલો

આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ; એક સામે ગુનો નોંધાયો

જામનગર શહેરમાં કાર પાર્કિંગ જેવી નાની બાબતે બે પાડોશી વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતાં તલવાર સાથે ધમકી આપવાની ઘટના સામે આવી છે. સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તા. 21 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે અંદાજે 1.00 વાગ્યાના સમયે નવાગામ ઘેડ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

ફરિયાદી રાજન દિવ્યેશકુમાર જાની (ઉ.વ. 24), રહે. આનંદ સોસાયટી, નવાગામ ઘેડ, પોતાના ઘરે સુતા હતા તે દરમિયાન પાડોશી યોગેશ બારોટ સાથે કાર પાર્કિંગ મુદ્દે વિવાદ થયો હતો. ફરિયાદી દ્વારા પોતાના પ્લોટમાં કાર પાર્ક કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપી યોગેશ બારોટ ફરીયાદીના ઘર બહાર આવી ભુંડી ગાળો બોલી તલવાર લઈને આવ્યો હતો અને ફરીયાદીના લોખંડના દરવાજા પર ઘા કર્યો હતો. તેમજ કાચની બોટલો ફોડી ફરીયાદીના ફળીયામાં ફેંકી ભયનું વાતાવરણ સર્જ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. વધુમાં આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળની કલમો હેઠળનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version