વાવડીમાં જાહેર રસ્તા વચ્ચે થાર રાખી ટ્રાફિકજામ કરનાર નબીરાની દાદાગીરી

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારતા તત્વો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે, છતાં પણ માથાભારે શખ્સોનો આતંક ઓછો થવાનું નામ…

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારતા તત્વો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે, છતાં પણ માથાભારે શખ્સોનો આતંક ઓછો થવાનું નામ નથી લેતો. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વાવડી વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં જાહેર માર્ગની વચ્ચોવચ પોતાની થાર કાર ઊભી રાખી ટ્રાફિક જામ કરનાર એક નબીરાને ટપારનાર ઉદ્યોગપતિના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી આ નબીરાએ પોલીસ સ્ટેશનમાં પોલીસ સામે રોફ જમાવી ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરી પટ્ટા ઉતારી નખાવવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી નબીરાના સીન વીખી નાખી કાયદાનું ભાન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કાલાવાડ રોડ પર રહેતા અને વાવડી વિસ્તારમાં ફાઇબર પંપ નામે કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ કરણભાઈ શશિકાંતભાઈ સોજીત્રા શુક્રવારે પોતાની ફોર્ચ્યુનર કાર લઈને કારખાને જઈ રહ્યા હતા. આ દરમિયાન વાવડીના આશરે 80 ફૂટ રોડ પર એચ.ડી.એફ.સી. બેંક પાસે રસ્તાની વચ્ચોવચ એક મહિન્દ્રા થાર કાર નંબર જીજે-03-પી.એમ-4581 ઊભી હતી. આ થાર કારના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કરણભાઈએ ગાડી સાઇડમાં લેવાનું કહેતા જ થાર ચાલક ગૌરવ ગૌસ્વામી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે બિભત્સ ગાળો આપી ધમકી આપી હતી કે, તું મને ઓળખતો નથી, હું વાવડીમાં જ રહું છું. તારે રોજ અહીંથી જ નીકળવાનું છે, તારા હાથ-પગ ક્યારે ભાંગી જશે ખબર નહીં પડે. આ ઝઘડા બાદ કરણભાઈએ તાત્કાલિક 112 પોલીસ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી.

માહિતી મળતા જ પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ ઝાલા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરાવી બંને પક્ષોને વાવડી પોલીસ ચોકીએ લઈ ગયા હતા. થાર ગાડીમાં પ્રતિબંધિત બ્લેક ફિલ્મ હોવા અંગે જ્યારે પોલીસ કોન્સ્ટેબલે પૂછપરછ કરી, ત્યારે આરોપી ગૌરવ ગૌસ્વામીએ પોલીસ ચોકીની અંદર જ પોલીસ ઉપર રોફ જમાવી જોરજોરથી રાડા રાડ કરીને પોલીસના પટ્ટા ઉરાવી દેવાની ધમકી આપી હતી, આ સમયે પોલીસ ચોકીમાં હાજર એ.એસ.આઈ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સ્ટાફે આરોપીને શાંત પાડવાનો અને કાયદાનું ભાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી સતત ઉદ્ધત વર્તન કરતો રહ્યો હતો. આખરે મામલો બિચકતાં પોલીસે કડક વલણ અપનાવ્યું હતું અને ગૌરવ ગૌસ્વામીના સીની વીખી નાખી તાલુકા પોલીસ સ્ટેશન લાવીને કાયદાનું ભાન કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે ગૌરવ ગૌસ્વામી સામે સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, જાહેર જનતાને હેરાનગતિ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.