મવડીમાં ભંગારના વેપારીનો ત્રાસ: મહિલા અને ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને સોરઠીયા પરિવાર સાથે સંકળાયેલા સ્થાનિકો માટે ભંગારનો વ્યવસાય કરનાર એક વ્યક્તિનો ત્રાસ વધી રહ્યો હોય તેવું સામે આવ્યું છે.…

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને સોરઠીયા પરિવાર સાથે સંકળાયેલા સ્થાનિકો માટે ભંગારનો વ્યવસાય કરનાર એક વ્યક્તિનો ત્રાસ વધી રહ્યો હોય તેવું સામે આવ્યું છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે અલગ-અલગ ફરિયાદો મુજબ, વિપુલભાઈ મગનભાઈ રીબડીયા નામના વ્યક્તિ સામે સ્થાનિક રહેવાસીઓને માનસિક હેરાનગતિ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ વિપુલભાઈ રીબડીયા મવડી ગામ વિસ્તારમાં ભંગારનો ડેલો ચલાવે છે અને તેમના દ્વારા વાહનો તેમજ ભંગારનો સામાન જાહેર માર્ગો અને લોકોના ઘરની આસપાસ રાખવામાં આવતો હોવાથી વારંવાર ઝઘડાઓ થતા રહ્યા છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 351(3) અને 352 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ સબ ઇન્સપેક્ટર પ્રવિણભાઈ ગોવિંદભાઈ આલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાક્રમ મુજબ, પ્રથમ કિસ્સામાં મવડી ગામના રહેવાસી મંજુલાબેન ભરતભાઈ ડોંડાએ ફરિયાદ નોંધાવી છે કે ગત 15 જૂન 2026 ના રોજ સાંજના સમયે વિપુલભાઈ રીબડીયાએ તેમના ઘરની નજીક ભંગાર ભરેલી રીક્ષા પાર્ક કરી હતી. મંજુલાબેને જ્યારે આ વાહન હટાવવા માટે વિનંતી કરી ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને તેમની સાથે બોલાચાલી શરૂૂ કરી હતી. એટલું જ નહીં, આરોપીએ મંજુલાબેન અને તેમની પુત્રવધૂ હેમાલીબેનને તેમના ઘર અને છોકરાઓના પગ તોડી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના સમયે પાડોશમાં રહેતા અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા, છતાં આરોપીનું વર્તન આક્રમક રહ્યું હતું અને તેણે અવારનવાર આ પ્રકારની ધમકીઓ આપી ભયનું વાતાવરણ ઉભું કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

બીજી ફરિયાદ મવડી ગામના જ રહેવાસી વિનોદભાઈ ઘુસાભાઈ સોરઠીયા દ્વારા દાખલ કરવામાં આવી છે, જેઓ સોરઠીયા પરિવારના ચેરીટેબલ ટ્રસ્ટમાં ખજાનચી તરીકે સેવા આપે છે. વિનોદભાઈએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી આ ભંગારના ડેલાના કારણે થતી અગવડતા અને ટ્રસ્ટના સભ્યો સાથેના અણબનાવનો સામનો કરી રહ્યા છે. ગત 29 જૂન 2026 ના રોજ, જ્યારે વિનોદભાઈ ખેતીના કામે જઈ રહ્યા હતા ત્યારે વિપુલભાઈ રીબડીયાએ તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોક્યા હતા. આરોપીએ તેમને ધમકી આપી હતી કે જો ટ્રસ્ટના સભ્યો સાનમા નહીં રહે તો તેમની જિંદગી બગાડી નાખશે અને છરીના ઘા મારી દેશે. આ સિવાય, ફોન પર પણ આરોપીએ ટ્રસ્ટના સભ્યો અને તેમના બાળકો ઉપર ટ્રક ચડાવી દઈને મારી નાખવાની ચીમકી આપી હતી.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બંને ફરિયાદો ગંભીરતાથી લઈને તપાસ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. પોલીસ દફતરે નોંધાયેલ વિગતો મુજબ, આરોપી વિપુલભાઈ રીબડીયા સામે અગાઉ પણ પોલીસ અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ આરોપીના વલણમાં કોઈ સુધારો થયો ન હતો અને તેણે સતત માનસિક અને શારીરિક ઈજા પહોંચાડવાની ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું.