ગુજરાત

પોલીસ કમિશનર કચેરી નજીક નશાખોર નબીરાએ અકસ્માત કર્યો

Published

on

પરિવાર સાથે નીકળેલા યુવાનની કારને પાછળથી બે વખત ઠોકર મારી, અકસ્માત સર્જી ભાગેલા ત્રણ શખ્સોને ફિલ્મી ઢબે પીછો કરી પકડયા

શહેરમાં છેલ્લા ઘણા વખતથી અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. રાતે પડેને નબીરાઓ શહેરના રસ્તાઓને બાનમાં લઈ બેફામ સ્પીડે વાહનો દોડાવે છે. ત્યારે શહેરના પોલીસ કમિશ્નર કચેરી પાસે ત્રણ નબીરાઓએ એક પરિવારની કારને બે વખત ઠોકર મારી અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અકસ્માત સર્જીને ભાગેલા આ ત્રણ નબીરાઓનો ફિલ્મી ઢબે પીછો કરી યુવાને સર્કીટ હાઉસ પાસે કારને રોકાવી પોલીસને જાણ કરી હતી. આ મામલે પ્ર.નગર પોલીસે આ ત્રણેય નબીરાઓને પોલીસ સ્ટેશને લઈ જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.


આ ઘટના મોડી રાત્રે બનેલી હોય હજુ સુધી આ મામલે પોલીસે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી. યાજ્ઞીક રોડ પર રહેતા એક પરિવાર પોતાના બ્રેઝા કાર નં. જીજે. 03.એનએફ.236માં રેસકોર્ષ રીંગ રોડ પરથી પસાર થતો હતો. બહુમાળી ભવન ચોક તરફથી યાજ્ઞીક રોડ તરફ જતી વખતે પોલીસ કમિશ્નર કચેરી ખાતે પાછળથી આવેલી જીજે.06.જેએમ 2087 નંબરની અમેઝ કારે આ પરિવારની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આટલું ઓછું હોય તેમ હજુ યુવાન પોતાની કાર ઉભી રાખે તે પૂર્વે જ બીજી વખત અમેઝકારના ચાલકે પાછળથી બ્રેઝા કારને ટક્કર મારી દીધી હતી અને અકસ્માત સર્જીને પોલીસ કમિશ્નર કચેરી તરફથી ભાગ્યો હતો જેનો બ્રેઝા કારના ચાલકે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પારસી અગિયારી ચોક થઈ કાર સર્કીટ હાઉસ નજીક રોકી દેવામાં આવી હતી. અમેઝ કારમાં અકસ્માત સર્જનાર ત્રણ શખ્સો બહાર નીકળ્યા હતાં અને બ્રેઝા કારના ચાલક સામે ઝઘડો કરવા લાગ્યા હતાં. આ મામલે યુવાનના પિતાએ તાત્કાલીક પોલીસ કંટ્રોલને જાણ કરી દીધી હતી. અને થોડી જ વારમાં પ્ર.નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


અકસ્માત સર્જનાર આ ત્રણ નબિરાઓ ચીક્કાર દારૂ પીધેલા હોવાનો આક્ષેપ બ્રેઝા કારના ચાલકે પોલીસ સમક્ષ કર્યો હતો અને કારની તલાસી લેવા માટે પણ જણાવ્યું હતું. ફિલ્મી ઢબે અકસ્માત સર્જનાર આ નબીરાઓને પ્ર.નગર પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનર કચેરી પાસે બપોરે દારૂ ભરેલી રીક્ષા પલ્ટી મારી ગયાના 24 કલાકમાં જ આ બીજી ઘટના બની છે જેમાં નબીરાએ અકસ્માત સર્જયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version