લોકમેળામાં મનપાના ફૂડ વિભાગના દરોડા: 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણી તહેવારો નિમિત્તે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ’વિરસાતથી વિકાસ લોકમેળા-2026’માં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા વેપારીઓ અને ફેરિયાઓ પર કડક ચેકિંગ…

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણી તહેવારો નિમિત્તે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ’વિરસાતથી વિકાસ લોકમેળા-2026’માં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા વેપારીઓ અને ફેરિયાઓ પર કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો દ્વારા તારીખ 02 સપ્ટેમ્બરથી 06 સપ્ટેમ્બર સુધી સર્વેલન્સ ચેકિંગ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ ચેકિંગ કામગીરી દરમિયાન ’ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાનના સ્ટાફ દ્વારા લોકમેળામાં ખાદ્યપદાર્થોના સ્ટોલ અને સ્ટોરેજની હાઇજેનિક કન્ડિશનની ચકાસણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા મેળામાં ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 54 ધંધાર્થીઓને સ્થળ પર જ ટેમ્પરરી લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વેપારીઓને તાજા શાકભાજી વાપરવા, સ્વચ્છતા જાળવવી તેમજ પેકિંગ વાળી વસ્તુઓની ઉત્પાદન અને એક્સપાયરી ડેટ ચકાસીને જ વેચાણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

મેળામાં તપાસ દરમિયાન અનેક સ્ટોલ અને ફેરિયાઓ પાસેથી બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. જેમાં વાસી બાફેલા અને સડેલા બટેટા, દાઝીયું તેલ, ખુલ્લા કાપેલા ફળ-શાકભાજી, ફરાળી વાનગીઓમાં ગેરકાયદે વપરાતો મકાઈનો સ્ટાર્ચ, વાસી ઘૂઘરા, બ્રેડ પકોડા, પાણીપુરીનું પાણી, વાસી ચટણીઓ તેમજ મીઠો પાન મસાલો મળી આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ અંદાજે 417 કિલોગ્રામ જેટલા વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂૂ. 15,750નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.