ઇસરોના નિવૃત્ત ગ્રુપ ડાયરેક્ટર સહિત 5ના નામે પાવર કનેક્શન કાપવાની અરજી થઇ ગઇ!

અમદાવાદની ટોરેન્ટ કંપની કનેકશન કાપવા પહોંચી ત્યારે ભાંડો ફુટયો, પોલીસ ફરિયાદ શહેરના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાંચ પરિવારોના વીજ કનેક્શન બોગસ દસ્તાવેજો…

અમદાવાદની ટોરેન્ટ કંપની કનેકશન કાપવા પહોંચી ત્યારે ભાંડો ફુટયો, પોલીસ ફરિયાદ

શહેરના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાંચ પરિવારોના વીજ કનેક્શન બોગસ દસ્તાવેજો અને બનાવટી સહીઓના આધારે કાયમી ધોરણે રદ (પરમેનન્ટ ડિસ્કનેક્ટ) કરાવી દેવાનું ચોંકાવનારું ષડયંત્ર સામે આવ્યું છે. ટોરેન્ટ પાવરની ટીમ જ્યારે વીજ મીટર કાપવા સ્થળ પર પહોંચી ત્યારે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આ ગંભીર બાબતે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈંજછઘ) ના નિવૃત્ત ગ્રૂપ ડિરેક્ટર અતુલ ભાવસાર સહિતના રહીશોએ વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.

મળતી માહિતી મુજબ, થલતેજ સ્થિત સ્વપ્ન એપાર્ટમેન્ટમાં વર્ષ 1990થી ફ્લેટ ધરાવતા અને વર્ષ 2023માં ઇસરોમાંથી નિવૃત્ત થયેલા 62 વર્ષીય અતુલ ભાવસાર હાલ બોપલ ખાતે રહે છે અને તેમના આ ફ્લેટમાં તેમના સ્વર્ગસ્થ માતા-પિતાની સંભાળ રાખતી મહિલા રહે છે. 12 ઓગસ્ટના રોજ સોસાયટીના અન્ય રહીશે તેમને ફોન કરીને જાણ કરી હતી કે, ટોરેન્ટ પાવરની એક ટીમ બિલ્ડિંગના કેટલાક મકાનોના પાવર કનેક્શન કાપવા માટે આવી છે. ભાવસાર જ્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના ફ્લેટ ઉપરાંત સોસાયટીના અન્ય ચાર રહીશોના નામે નોંધાયેલા વીજ મીટર હંમેશ માટે હટાવી દેવાની ઓનલાઇન અરજીઓ કંપનીમાં સબમિટ કરવામાં આવી હતી.

આ ચોંકાવનારી વિગતો સામે આવ્યા બાદ 14 ઓગસ્ટે રહીશોએ ટોરેન્ટ પાવરની કચેરીની મુલાકાત લઈને અરજીઓની વિગતો માંગી હતી. તપાસમાં બહાર આવ્યું કે, એક લાઇસન્સ ધરાવતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિ મારફતે 8 અને 9 ઓગસ્ટના રોજ કંપનીને ઇમેઇલ દ્વારા ઓનલાઇન અરજીઓ મોકલવામાં આવી હતી. આ અરજીઓમાં તમામ પાંચેય રહીશોના પાનકાર્ડની વિગતો, ફોટોગ્રાફ્સ અને બનાવટી સહીઓ કરવામાં આવી હતી. રહીશોએ કોઈ પણ પ્રકારની અરજી ન કરી હોવા છતાં તેમના અંગત દસ્તાવેજોનો દુરુપયોગ કરીને આ કારસો રચાયો હતો. ત્યારબાદ 23 ઓગસ્ટે રહીશો જીજ્ઞેશ કડિયા નામના શખ્સને મળ્યા હતા, જેણે રહીશોના નામે આ ખોટી અરજીઓ કરી હોવાની કબૂલાત કરી હતી.

જોકે, આ અરજીઓ કોના કહેવાથી અને કયા બદઇરાદાથી કરવામાં આવી હતી તે જણાવવાનો તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આખરે અતુલ ભાવસારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જીજ્ઞેશ કડિયા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે સોસાયટીમાં કોઈ બિલ્ડર લોબી, રિડેવલપમેન્ટ વિવાદ કે અંગત અદાવતના કારણે પરિવારોને હેરાન કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે કેમ, તેમજ આ પાછળ અન્ય કયા મુખ્ય સૂત્રધારો સામેલ છે.