તિલક વર્માની 45 બોલમાં 7 છગ્ગા, 8 ચોગ્ગા સાથે 101 રનની વિસ્ફોટક ઇનિંગ, અશ્ર્વિનીકુમારે ચાર વિકેટ ઝડપી
સતત ચાર મેચ હાર્યા બાદ, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આખરે વિજયનો સ્વાદ ચાખ્યો. IPL 2026 ની પહેલી મેચ જીત્યા બાદ સતત હારનો સામનો કરી રહેલી મુંબઈએ એકતરફી મેચમાં ગુજરાત ટાઇટન્સને 99 રનથી હરાવ્યું. તિલક વર્માની પહેલી IPL સદીના આધારે મુંબઈએ 199 રન બનાવ્યા, તો સતત છ મેચમાં ખાલી હાથે રહેલા બુમરાહે પણ પહેલી વિકેટ લઈને બોલિંગમાં ટીમને શાનદાર શરૂૂઆત અપાવી. ત્યારબાદ સિઝનની પોતાની પહેલી મેચ રમી રહેલા અશ્વિની કુમારે ચાર વિકેટ લઈને મુંબઈની જીત પર મહોર લગાવી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026 ની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સને કારમી હારનો સામનો કરવો પડ્યો. જોકે, જ્યારે મેચ શરૂૂ થઈ ત્યારે ભાગ્યે જ કોઈએ આની અપેક્ષા રાખી હશે. ખાસ કરીને કાગીસો રબાડા (3/33) એ પોતાની સ્પીડથી મુંબઈને પાવરપ્લેમાં માત્ર 44 રનમાં ત્રણ વિકેટે લઈ ઝટકો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ નમન ધીર (45) એ શાનદાર ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં મુક્યું અને 100 રનની નજીક પહોંચાડી.
પરંતુ આ પછી, આખી ઇનિંગ તિલક વર્માની થઈ ગઈ. અગાઉની 5 મેચમાં ફક્ત 43 રન બનાવનાર તિલક આ મેચમાં ફક્ત 45 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. એક સમયે, તિલક 22 બોલમાં ફક્ત 19 રન બનાવીને રમી રહ્યો હતો, પરંતુ અહીંથી તે અચાનક આક્રમક બની ગયો અને બોલિંગ કરી રહેલા ગુજરાતના બોલરોની જોરદાર ધુલાઇ કરી. બીજી તરફ, હાર્દિક પંડ્યા ફક્ત જોતો રહ્યો અને 16 બોલમાં ફક્ત 15 રન જ બનાવી શક્યો. તિલક (101 રન, 45 બોલ, 7 છગ્ગા, 8 ચોગ્ગા) એ ઇનિંગના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ઈંઙકમાં પોતાની પહેલી સદી પૂર્ણ કરી.
તિલક પછી, બુમરાહનો વારો આવ્યો, જે ગયા IPL સીઝનથી સતત 146 બોલ સુધી વિકેટલેસ રહ્યો હતો. આ વખતે, બુમરાહે ઇનિંગની પહેલી ઓવર નાખી અને પહેલા જ બોલે સાઈ સુદર્શનને આઉટ કરીને પોતાનો દુકાળ પૂરો કર્યો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ બીજી જ ઓવરમાં જોસ બટલરની વિકેટ લીધી. પરંતુ વાસ્તવિક સફળતા ઇમ્પેક્ટ પ્લેયર અશ્વની કુમાર (4/24) દ્વારા મળી. આ ડાબા હાથના ફાસ્ટ બોલરની IPL 2026 માં પહેલી મેચ હતી, અને તેની પહેલી વિકેટ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ (14) ની હતી.
ત્યાંથી, ગુજરાતની હાર નિશ્ચિત લાગતી હતી. ત્યારબાદ મિશેલ સેન્ટનરે વોશિંગ્ટન સુંદર (26) અને ગ્લેન ફિલિપ્સ (6) ને એક જ ઓવરમાં આઉટ કરીને બાકી રહેલી બધી આશાઓનો નાશ કર્યો. અશ્વિને રાહુલ તેવતિયા, શાહરૂૂખ ખાન અને રાશિદ ખાનને આઉટ કરીને પોતાનો ધમાકેદાર દેખાવ ચાલુ રાખ્યો. સ્પિનર અલ્લાહ ગઝનફરે છેલ્લી બે વિકેટ લીધી અને ગુજરાત 15.5 ઓવરમાં માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ, મુંબઈએ અમદાવાદની પીચ પર પહેલીવાર ગુજરાત ટાઇટન્સને હરાવ્યું.
તિલકે IPL 2026માં સૌથી ઝડપી સદી ફટકારી
તિલક વર્માએ આખરે તે સિદ્ધિ મેળવી જેના માટે તે જાણીતો છે. તેણે સંઘર્ષ કરતી મુંબઈ ટીમને સ્થિર કરી અને પાંચમા ક્રમે આવીને ધમાકેદાર સદી ફટકારી. ગુજરાત ટાઈટન્સ સામે, તેણે માત્ર 45 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં સાત છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઇક રેટ 224.44 હતો. આ સદી સાથે, તિલક વર્માએ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. તિલક વર્મા ઈંઙકના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તિલક વર્મા પહેલા સનથ જયસૂર્યાએ માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. તેણે 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ ઈનિંગ રમી હતી. તિલકની ઈનિંગની બીજી ખાસ વાત એ છે કે તેણે આ સિઝનની સૌથી ઝડપી સદી પણ ફટકારી હતી. તેણે સંજુ સેમસનનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 52 બોલમાં સદી ફટકારી હતી. આ બે ઉપરાંત, ક્વિન્ટન ડી કોકે પણ સદી ફટકારી હતી. આ તિલક વર્માની ઈંઙકમાં પહેલી સદી પણ છે.
બુમરાહને આખરે IPL 2026માં પહેલી વિકેટ મળી
5 મેચ અને 114 બોલ સુધી રાહ જોયા બાદ આખરે જસપ્રીત બુમરાહે આઈપીએલ 2026માં વિકેટ લઈ ખાતું ખોલ્યું છે. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ઇનિંગ્સના પહેલા જ બોલ પર બુમરાહે ગુજરાતના ઓપનર સાઈ સુદર્શનને પોતાની જાળમાં ફસાવી પવેલિયન રવાના કર્યો અને સીઝનની પહેલી વિકેટ લીધી. આ અગાઉ રમાયેલી 5 મેચમાં બુમરાહ વિકેટલેસ હતો. તેને આઈપીએલ 2026ની પહેલી વિકેટ લેવામાં 115 બોલ ખર્ચ કરવા પડ્યા. વળી આઈપીએલમાં 146 બોલમાં બુમરાહની આ પહેલી સફળતા છે.

