સાદી ડોટ કોમ મારફતે પરિચયમાં આવેલા યુવકનું મોડેલ સાથે દુષ્કર્મ

રાજકોટ શહેરમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ ’સાદી ડોટ કોમ’ ના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના પાર્થ વિજય પરીખ નામના યુવક સામે એક પીડિત યુવતીએ શારીરિક શોષણ, છેતરપિંડી, નાણાકીય…

રાજકોટ શહેરમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ ’સાદી ડોટ કોમ’ ના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના પાર્થ વિજય પરીખ નામના યુવક સામે એક પીડિત યુવતીએ શારીરિક શોષણ, છેતરપિંડી, નાણાકીય ઠગાઈ, જાતિવાચક આક્ષેપો અને વિડીયો વાયરલ કરવાની ધમકી અંગેની ગંભીર ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પીડિત યુવતીએ પોલીસ સમક્ષ જણાવેલી વિગતો મુજબ, તે મોડેલિંગ તથા જાહેરાત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. લગ્ન માટે તેણે ચારેક વર્ષ પહેલાં મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી. આશરે એકાદ વર્ષ પહેલાં પાર્થ પરીખે તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જે સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વાતચીત અને મોબાઇલ નંબરની આપ-લે થઈ હતી. આરોપી પાર્થે પોતાને અપરિણીત બતાવી પોતે પાર્કફ્રેશ કોલ્ડ સ્ટોરેજ અને પાર્કસ્પેસ બિલ્ડર ગ્રૂપ સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. પીડિતાએ પોતે દલિત સમાજમાંથી આવતી હોવાનું સ્પષ્ટ કર્યું હોવા છતાં, આરોપીએ જ્ઞાતિવાદનો કોઈ વાંધો ન હોવાનું કહી તેનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદિત કર્યો હતો.

આરોપી પાર્થ અવારનવાર રાજકોટ યુવતીને મળવા આવતો હતો અને શૂટિંગ માટે તેને પોતાની કારમાં અમદાવાદ લઈ જતો હતો. ગત તારીખ 21 માર્ચ 2026ના રોજ શૂટિંગ પૂરું થયા બાદ રાજકોટ પરત ફરતી વખતે આરોપી યુવતીને શાપર નજીક આવેલી લોડ્ઝ ઈકો ઈન હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં યુવતીની અનિચ્છા અને વિરોધ છતાં લગ્નનું વચન આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઘટના બાદ ગત 11 ઓગસ્ટ 2026ના રોજ આરોપી યુવતીને વડોદરા લઈ ગયો હતો અને ત્યાં રૂૂ. 100ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું સોગંદનામું કરાવી સહી-અંગૂઠો લીધો હતો. બાદમાં તેણે વોટ્સએપ પર લગ્નનું બોગસ પ્રમાણપત્ર પણ મોકલી આપ્યું હતું. શારીરિક સંબંધો દરમિયાન આરોપીએ યુવતીની જાણ બહાર અથવા બળજબરીથી અંગત પળોના ફોટા અને વિડીયો પણ પોતાના મોબાઇલમાં ઉતારી લીધા હતા.

લગ્નનો વિશ્વાસ આપ્યા બાદ આરોપી પાર્થ પરીખે ધંધામાં નુકસાની ગઈ હોવાનું બહાનું બતાવી યુવતી પાસે નાણાંની માંગણી કરી હતી. પીડિતાએ તેના પર ભરોસો મૂકી પોતાના બેંક ખાતામાં પડેલી રકમ અને શેર વેચીને કુલ રૂૂ. 7,40,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા તેમજ રૂૂ. 2,50,000 રોકડા મળી કુલ રૂૂ. 9,90,000 આપ્યા હતા. બાદમાં આરોપીએ વધુ રૂૂ. 5 લાખની માંગણી કરતા યુવતીએ અસમર્થતા દર્શાવી હતી, જેથી આરોપી તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

યુવતીએ પોતાના નાણાં પરત માગ્યા અને ધામધૂમથી લગ્ન કરવા દબાણ કર્યું, ત્યારે આરોપીએ “અમારા ઘરના લોકોને દલિત સમાજની છોકરી ઘરમાં આવે તે પસંદ નથી” તેમ કહી જાતિવાચક શબ્દો કહીને સંબંધ તોડી નાખ્યા હતા. યુવતીના ભાઈએ આરોપીના પિતા વિજયભાઇને ફોન કરતા તેમણે પણ બેજવાબદાર જવાબ આપ્યો હતો. આખરે આરોપીએ અંગત પળોના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતાં યુવતીએ રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.આઈ. શેખ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.