રાજકોટ-દિલ્હી એરઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી, વિમાનને રન વે ઉપરથી પરત બોલાવ્યું

રાજકોટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ માટે રનવે પર પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાતાં મોડી રાત્રે રદ કરવામાં આવી છે. આશરે ત્રણ કલાક સુધી…

રાજકોટથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ માટે રનવે પર પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાતાં મોડી રાત્રે રદ કરવામાં આવી છે. આશરે ત્રણ કલાક સુધી ટેક્નિકલ ટીમે તપાસ કરી હતી. રાત્રે 11.30 વાગ્યા બાદ ફ્લાઇટ કેન્સલ થતાં દિલ્હી જનારા આશરે 180 મુસાફરો એરપોર્ટ પર જ રઝળી પડ્યા હતા.

આ વિમાન દિલ્હીથી સાંજે સાત વાગ્યે રાજકોટ એરપોર્ટ પર ઉતર્યું હતું. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે રાજકોટથી દિલ્હી રવાના થવાનું હતું. તમામ મુસાફરો બોર્ડિંગ કરી વિમાનમાં બેસી ગયા હતા. વિમાન ટેકઑફ માટે રનવે પર આગળ વધ્યું ત્યારે અચાનક ટેક્નિકલ ખામી ધ્યાને આવી. પાયલટે સાવચેતી દાખવી ટેકઑફ ટાળ્યું. વિમાનને રનવેથી પરત લાવી પાર્કિંગમાં ઊભું રાખવામાં આવ્યું અને 180 મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા.
પાર્કિંગ બાદ એન્જિનિયરિંગ અને ટેક્નિકલ ટીમ ત્રણ કલાક સુધી ચેકિંગ કરતી રહી. ખામી દૂર ન થતાં રાત્રે આશરે 11.30 વાગ્યે એરલાઇન્સે ફ્લાઇટ રદ કરી. આ દિવસની દિલ્હી માટેની છેલ્લી ફ્લાઇટ હતી. તે પછી અન્ય કોઈ ઉડાન ઉપલબ્ધ ન હોવાથી મુસાફરો મોડી રાત્રે મુશ્કેલીમાં મુકાયા હતા.