રાજકોટ-સુરતથી પકડાયેલ 11 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત કરાશે

બોર્ડરથી ગેરકાયદે ઘુસવા 20 હજાર આપી ભારતમાં આવ્યા હતાં, રાજકોટ ખાતે ગુપ્તચર એજન્સી, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી દ્વારા 12 કલાક સુધી સઘન પૂછપરછ રાજ્યભરમાં ગેરકાયદેસર…

બોર્ડરથી ગેરકાયદે ઘુસવા 20 હજાર આપી ભારતમાં આવ્યા હતાં, રાજકોટ ખાતે ગુપ્તચર એજન્સી, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી દ્વારા 12 કલાક સુધી સઘન પૂછપરછ

રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બંગલાદેશી નાગરિકો વિરુદ્ધ પોલીસે એક ખૂબ જ મોટું અને અભૂતપૂર્વ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ખાસ સઘન અભિયાન અંતર્ગત રાજ્યના જુદા જુદા મહાનગરોમાંથી અંદાજે 600 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજ્યવ્યાપી મેગા ઓપરેશનમાં રાજકોટ અને સુરતથી પકડાયેલ 11 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત મોકલવા માટે રાજકોટ શહેર પોલીસે તજવીજ શરૂૂ કરી છે.

ગુજરાત સરકાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન શરૂૂ કરાયું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના મુખ્ય શહેરોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીની પ્રાથમિક તપાસ અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જ 600 જેટલા નાગરિકો મૂળ બાંગ્લાદેશના હોવાની અને ભારતમાં ગેરકાયદેસર રીતે વસતા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. આ સિવાય અન્ય 160 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પણ અટકાયત કરીને તેમની ઓળખ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

રાજકોટ શહેર અને જીલ્લા પોલીસની ટીમોએ આખી રાત સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ખાસ કરીને સોની બઝાર, હાથીખાના, ગાંધીગ્રામ અને રૈયાગામ જેવા વિસ્તારોમાંથી અંદાજે 31 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ રાજકોટ જીલ્લામાં 140 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની તપાસ કરી 4 મહિલાની અટકાયત કરી હતી. તેમજ અમદાવાદ પોલીસે પણ શહેરના શંકાસ્પદ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જઈ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં અમદાવાદના ચંડોળા તળાવ, ગુલાબ નગર અને દાણીલીમડાના ખોડિયાર નગર જેવા વિસ્તારોમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરીને શંકાસ્પદોને ઝડપી લેવાયા હતા. જયારે સુરત રેલ્વે એસઓજી દ્વારા રેલ્વે સ્ટેશન અને તેની આસપાસના પરિસરોમાં રાઉન્ડ-ધ-ક્લોક દરોડા પાડીને શંકાસ્પદ હિલચાલ કરતા 4 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

રાજકોટમાં પકડાયેલા તમામ શંકાસ્પદોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ઈન્ટેલીજન્સ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે સતત 12 કલાક સુધી ગુપ્ત સ્થળે મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન ઘૂસણખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને લઈને અનેક મહત્વની વિગતો પ્રકાશમાં આવી છે. હાલમાં રાજકોટ શહેરમાં જુદા જુદા 4 જિલ્લામાંથી પકડાયેલા 4 અને સુરત રેલ્વે પોલીસે પકડેલા 11 બાંગ્લાદેશી ઘુસણખોરોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તાત્કાલિક ધોરણે ડિપોર્ટ (સ્વદેશ પરત મોકલવા) કરવાની તજવીજ વહીવટી સ્તરે શરૂૂ કરી દેવામાં આવી છે.

પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો: ઘૂસણખોરીનો આર્થિક આંકડો
પકડાયેલા 11 જેટલા મુખ્ય બાંગ્લાદેશી ઘૂસણખોરોની આકરી પૂછપરછ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરાવતી ગેંગ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. પકડાયેલા નાગરિકોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ મેળવવા માટે તેઓએ એજન્ટોને વ્યક્તિ દીઠ આશરે 20 હજાર રૂૂપિયા જેટલી રકમ ચૂકવી હતી. સરહદ પાર કરાવતી આ આખી સિન્ડિકેટ ભારત અને બાંગ્લાદેશ બંને તરફ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે, જે અંતર્ગત હવે પોલીસ કડીઓ જોડીને આગળ તપાસ વધારી રહી છે. રાજ્યમાં સ્થાનિક રોજગારી અને આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડતા આવા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે તેવા સંકેતો પોલીસ સૂત્રો તરફથી મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ પકડાયેલા નાગરિકોના લોકલ આઈડી પ્રૂફ અને બોગસ દસ્તાવેજો બનાવનારા સ્થાનિક એજન્ટો પર પણ ગાળિયો કસવાની તૈયારીઓ થઈ ચૂકી છે.