સુરેન્દ્રનગરના સાયલા નજીક ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગોસળ ગામ બોર્ડ પાસે ચાલુ ડમ્પરે માટી ઠાલવી ડ્રાઈવર ફરાર થઈ ગયો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વ્યસ્ત હાઈવે પર માટી ઠલવાતા અકસ્માતનો ભય સેવાયો, જેનાથી નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મુળી, સાયલા સહિતના વિસ્તારોમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ખનીજ માફિયાઓને કાયદા કે તંત્રનો કોઈ જ ડર રહ્યો ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાયલા નજીક ગોસળ ગામના બોર્ડ પાસે ચાલુ ડમ્પરમાંથી જ નેશનલ હાઈવેના મુખ્ય માર્ગ પર માટી ઠાલવીને ડમ્પર ચાલક બેફામપણે ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર વહીવટી અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગેરકાયદે ખનન અને વહન સાથે સંકળાયેલા ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેમને નિર્દોષ વાહનચાલકોના જીવની પણ કોઈ પરવા નથી. સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર ગોસળ ગામના બોર્ડ નજીકથી પસાર થતી વખતે ડમ્પર ચાલકે ચાલુ ડમ્પરે જ માટીનો મોટો જથ્થો હાઈવેના ડામર રોડ પર ઠાલવી દીધો હતો. વ્યસ્ત નેશનલ હાઈવે પર અચાનક માટી પથરાઈ જતાં પાછળથી આવતા વાહનો માટે ગંભીર અકસ્માત સર્જાવાનો અને સ્લિપ થઈ જવાનો મોટો ભય ઉભો થયો હતો.
હાલમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનું વહીવટી તંત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગામી કાર્યક્રમની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે બરાબર એ જ સમયે ખનીજ માફિયાઓએ આ રીતે હાઈવે પર આતંક મચાવીને તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વાઈરલ થયેલા દ્રશ્યોના આધારે જવાબદાર ડમ્પર ચાલક અને સંકળાયેલા લોકો સામે યોગ્ય કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો થઈ રહ્યા છે.
