મોટીખાવડીમાં કરિયાણાની દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, સપ્લાયર ફરાર

જામનગર જિલ્લામાં ખાસ કરીને મેઘપર આસપાસના વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને સેવન અંગે પોલીસ તંત્ર દ્વારા ’નો દ્રગ્સ’ અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી…

જામનગર જિલ્લામાં ખાસ કરીને મેઘપર આસપાસના વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને સેવન અંગે પોલીસ તંત્ર દ્વારા ’નો દ્રગ્સ’ અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના ભાગરૂૂપે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે મોટીખાવડી ગામ ખાતે અનાજ-કરિયાણાની દુકાનમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે માદક પદાર્થ સપ્લાય કરનાર એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈપીએસ) દ્વારા નશીલા માદક પદાર્થોના વેપાર અને સેવન ઉપર રોક લગાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની (આઈપીએસ) દ્વારા જિલ્લામાં નશાખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવ ના સીધા માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર પી.ટી. જયસ્વાલની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. મહીપાલસિંહ એલ. જાડેજા તથા પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી કે મોટીખાવડી ગામ ખાતે સમાજવાડી તરફ જવાના રસ્તા પર આવેલી અમરેશ કિરાણા સ્ટોર નામની દુકાનમાં ગાંજાનું છૂટક વેચાણ કરવામાં આવે છે.

જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા અમરેશકુમાર ભગવાનદાસ, (ઉંમર વર્ષ 22), રહે મોટીખાવડી ગામ અને સુમીતકુમાર ભુપેન્દ્રસિંહ, (ઉંમર વર્ષ 21, રહે. બિહાર ગામના વતની, અને હાલ મોટીખાવડી ગામમાં રહેતા બન્ને શખ્સો ને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કુલ વજન 666 ગ્રામ, કિંમત રૂૂપિયા 33,300 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂપિયા 34,540નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ ગાંજો જામનગરના હરપાલસિંહ ચાવડા નામના શખ્સ કે જે પણ બિહારનો વતની છે, અને હાલ જામનગર રહે છે. જેના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જે હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં નશાકારક પદાર્થનું સેવન થઈ રહ્યું હોવાના અહેવાલને પગલે જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવ્યા બાદ એસ.ઓ.જી. અને મેઘપર ની ટીમે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ત્રણ સફળ દરોડા પાડ્યા છે, અને નશાકારક પદાર્થ વગરે કબજે કરી લઇ આરોપીઓને પકડી પાડ્યા છે. ઉપરાંત તેઓને આ જથ્થો સપ્લાય કરનાર ની શોધખોળ પણ ચલાવાઇ રહી છે. બે દરોડામાં ડ્રગ્સનું કનેક્શન પંજાબનું ખુલ્યું છે, જ્યારે નશા ના કારોબાર નું કનેક્શન પંજાબ રાજ્ય અને બિહાર ના રાજ્ય તરફનું ખુલ્યું છે.