ભાવનગરમાં ખનીજ માફિયાના નેટવર્કનો પર્દાફાશ, રેડનું લોકેશન ટ્રેક કરનાર 61 સામે ચાર્જશીટ

ભાવનગર જિલ્લામાં સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચલાવતા ખનીજ માફિયાઓના એક મોટા સંગઠિત નેટવર્કનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. ખાણ ખનીજ વિભાગ,…

ભાવનગર જિલ્લામાં સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચલાવતા ખનીજ માફિયાઓના એક મોટા સંગઠિત નેટવર્કનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. ખાણ ખનીજ વિભાગ, આર.ટી.ઓ., રેવન્યુ અને પોલીસ વિભાગના અધિકારીઓની સરકારી મૂવમેન્ટ તેમજ લોકેશનની સંવેદનશીલ માહિતી વોટ્સએપ ગ્રુપના માધ્યમથી લીક કરીને બિનકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા કુલ 61 આરોપીઓ વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 37 જેટલા શખ્સો સામે હાલ તપાસ ચાલુ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ભાવનગર રેન્જના આઇ.જી. આર.વી. અસારી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘલ દ્વારા જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તે દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસને એક ચોંકાવનારી વિગતવાર જાણ કરવામાં આવી હતી.

જેમાં ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોએ સરકારી અધિકારીઓની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ખાસ વોટ્સએપ ગ્રુપો બનાવ્યા હોવાનું ખૂલ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ એસ.પી. નિતેશ પાંડેયે તાત્કાલિક ગુનો દાખલ કરવા આદેશ આપતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 221, 54, 61(2) અને 238 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની આગળની તપાસ આઇ.યુ.સી.એ.ડબલ્યુ. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. ચૌધરી ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી નંબર 1 થી 4 ના શખ્સો દ્વારા (1) ‘ઇફક્ષક્ષફષશ78‘, (2) ‘ઝવયિય ઝયળાહય (જુળબજ્ઞહ)‘, (3) ‘જફક્ષિં ઊિીાંફ‘ અને (4) ’અરવિંદનું ચોથું ગ્રુપ’ એમ કુલ ચાર જેટલા વોટ્સએપ ગ્રુપો ચલાવવામાં આવતા હતા. ખનીજ માફિયાઓ આ ગ્રુપોમાં એડ થવા માટે અને અધિકારીઓની મૂવમેન્ટની એડવાન્સ માહિતી મેળવવા માટે ગ્રુપ એડમિનોને વ્યક્તિ દીઠ દર મહિને રૂ. 500 થી રૂ. 1000 ચૂકવતા હતા. આ નાણાકીય વ્યવહારો ગુગલ પે (ૠજ્ઞજ્ઞલહય ઙફુ)ના માધ્યમથી કરવામાં આવતા હોવાના પુરાવા પણ મળ્યા છે.

આ ગ્રુપ એડમિનો દ્વારા સરકારી અધિકારીઓના સત્તાવાર નિરીક્ષણો અને લોકેશનની વિગતો અગાઉથી જ શેર કરી દેવામાં આવતી હતી. જેના કારણે તળાજા, મહુવા, પાલીતાણા, શિહોર, જેસર અને ઘોઘા જેવા વિસ્તારોમાં ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખાણકામ, પરિવહન અને ખનીજોનો સંગ્રહ ખૂબ જ સરળતાથી કરી શકતા હતા.